અમરેલી શહેરમાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI)ના બે અધિકારીઓ વિરુધ્ધ એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કડક અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. મટીરિયલ્સ ટેસ્ટિંગ લેબના નિરીક્ષણ બાદ સાનુકૂળ (પોઝિટિવ) રિપોર્ટ આપવાના બહાને ૨૧,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા બંને વર્ગ-૧ અને વર્ગ-૩ ના અધિકારીઓ રંગેહાથ પકડાઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, વડોદરા સ્થિત ગેરી (GERI) કચેરીના સંશોધન અધિકારી (વર્ગ-૧) આણંદભાઈ નરેન્દ્રભાઈ ખરેડિયા અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ (વર્ગ-૩) જીગરભાઈ કલસિંગભાઈ ભુટીયાએ અમરેલી ખાતે આવેલી એક ખાનગી મટીરિયલ્સ ટેસ્ટિંગ લેબની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ વિઝિટ બાદ લેબનો પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરવા માટે તેઓએ ફરિયાદી પાસે રૂ. ૨૧,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
લાંચ આપવા ન માંગતા
જાગૃત નાગરિકે તાત્કાલિક અમરેલી એસીબી કચેરીનો સંપર્ક કરી સમગ્ર મામલે લિખિત ફરિયાદ નોંધાવી હતી. એસીબી ટીમે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ચિતલ રોડ પર આવેલા સરકારી સર્કિટ હાઉસના રૂમ નંબર-૧૧ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી નં. ૧ ના કહેવાથી આરોપી નં. ૨ એ ફરિયાદી પાસેથી આક્ષેપિત લાંચની રકમ સ્વીકારી હતી, જેમાં સંશોધન અધિકારીના રૂ. ૧૫,૦૦૦ અને સિનિયર આસિસ્ટન્ટના રૂ. ૬,૦૦૦ નો સમાવેશ થાય છે.
એસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ટી.એસ. રિઝવી તેમજ અમરેલી અને ભાવનગર એસીબી સ્ટાફે ઘટનાસ્થળેથી જ ૨૧,૦૦૦ રૂપિયાની સમગ્ર રકમ રિકવર કરી બંને અધિકારીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.