સાવરકુંડલામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભવ્ય શિવ પાલખી યાત્રા યોજાઈ હતી. છેલ્લા ૨૮ વર્ષથી રુદ્ર ગણ દ્વારા શ્રાવણ માસ દરમિયાન અખંડ ધૂન મંડળનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે પાલખી યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. યાત્રામાં નાના બાળકોએ ભસ્મ તિલક કરી શિવજી, નંદી અને હનુમાનજી સહિત વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. માર્ગો પર ભાવિકોએ પાલખીનું પૂજન-આરતી કરી સ્વાગત કર્યું હતું. ‘હર હર મહાદેવ’ના નાદથી સમગ્ર નગર શિવમય બન્યું હતું અને મોટી સંખ્યામાં નગરજનો તથા શિવભક્તો જોડાયા હતા.