ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓ અને કામગીરીના વધારાના બોજા અંગે સરકારને અલ્ટિમેટમ આપ્યા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. મહામંડળના હોદ્દેદારો લાલસિંહ યુ. ઠાકોર અને વિરેન એમ. ભાટુ દ્વારા જણાવાયું છે કે ૭ દિવસની મુદત પૂરી થવા છતાં તંત્ર દ્વારા કોઈ સંવાદ સાધવામાં આવ્યો નથી. આથી નાછૂટકે સમગ્ર રાજ્યના ગ્રામસેવકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરવાથી લઈને અચોક્કસ મુદતની હડતાળ સુધીના તબક્કાવાર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાનું નક્કી કરાયું છે. ગામડાઓમાં કામ કરતા કર્મચારીઓમાં વહીવટી તંત્રની ઘોર ઉપેક્ષા વિરૂધ્ધ ભારે આક્રોશ ફેલાયો છે. જો તાત્કાલિક બેઠક બોલાવી પ્રશ્નોનો ઉકેલ નહી લાવવામાં આવે તો કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે ઊભી થનારી તમામ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર રહેશે.