અમરેલી જિલ્લાના ખાંભા માર્કેટિંગ યાર્ડ APMCની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલે ભવ્ય વિજય મેળવી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ખેડૂત વિભાગની કુલ ૧૦ બેઠકોમાંથી ભાજપ પ્રેરિત પેનલના ૮ ઉમેદવારોએ જીત મેળવી મજબૂત પકડ દર્શાવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બે ઉમેદવારો વચ્ચે ૧૬૬-૧૬૬ સરખા મત મળતા ટાઈ પડી હતી, જેના પગલે નિયમ મુજબ ચિઠ્ઠી ઉપાડીને આખરી નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વેપારી વિભાગની ૪ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી ઉજવણી કરવામાં આવી હતી.







































