ઓક્સિજન પર ચાલી રહેલી ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે દિલ્હી હાઈકમાન્ડ હવે એક્શન મોડમાં આવી ગયું છે. નિસ્ક્રીય સાબિત થયેલા પ્રભારી મુકુલ વાસનિકને હટાવીને રાષ્ટ્રીય નેતૃત્વએ તેમના સ્થાને આક્રમક નેતા રણદીપ સિંહ સુરજેવાલાની નિયુક્ત કરી છે. આ મોટા ફેરફાર બાદ હવે ગુજરાત કોંગ્રેસના બે સહપ્રભારીઓને પણ સંગઠનમાંથી વિદાય આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે. દિલ્હીમાં નવા સહપ્રભારીની શોધ માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને નવી નિયુક્તઓ બાદ પ્રદેશ કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ પ્રભારી મુકુલ વાસનિકની કાર્યશૈલીથી હાઈકમાન્ડ અને ખાસ કરીને રાહુલ ગાંધી સખત નારાજ હતા. વાસનિક માત્ર ઔપચારિક મુલાકાતો માટે જ ગુજરાત આવતા હતા. તેમની ‘બપોરે ૨ વાગ્યાની ફ્લાઈટમાં આવવું અને સાંજે ૭ વાગ્યાની ફ્લાઈટમાં દિલ્હી પરત જતા રહેવું’ જેવી નીતિના કારણે સંગઠન ગ્રાઉન્ડ લેવલ પર સાવ તૂટી ગયું હતું. રાહુલ ગાંધીની ‘ભારત જાડો ન્યાય યાત્રા’ બાદ જે સકારાત્મક માહોલ ઊભો થયો હતો, તેને પણ સ્થાનિક નેતાઓની નિÂષ્ક્રયતાએ ઠંડો પાડી દીધો હતો. જેના પરિણામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો.
કોંગ્રેસના ચૂંટણી વ્યૂહરચનાકાર સુનિલ કાનુગોલુના આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે બનાવાયેલી સમિતિઓમાં એવા નેતાઓને સ્થાન અપાયું હતું જેઓ ગ્રાઉન્ડ પર કોઈ જ પ્રભાવ ધરાવતા નથી. સક્રિય અને મહેનતુ કાર્યકરોને બદલે નિÂષ્ક્રય નેતાઓને મહત્વ આપવાના કારણે જ મુકુલ વાસનિકનો ભોગ લેવાયો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. આ રિપોર્ટ બાદ હવે હાઈકમાન્ડ રાજકીય સર્જિકલ સ્ટ્રાઈક કરીને સહપ્રભારી સુહાસીની યાદવ અને રામકિશન ઓઝાને સંગઠનમાંથી વિદાય આપે તે લગભગ નક્કી છે. આ ઉપરાંત, ભાજપ સાથે આડકતરી સાંઠગાંઠ ધરાવતા સિનિયર નેતાઓને પણ ધીમેથી સાઈડલાઈન કરવાની વ્યુહરચના ઘડાઈ છે.
નવા પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા માટે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ જીતવી કે સંગઠનને બેઠું કરવું આસાન કાર્ય નથી. તેમ છતાં, પક્ષ દ્વારા નવી અને આક્રમક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના મજબૂત પ્રચાર તંત્રનો સામનો કરવા માટે કોંગ્રેસ હવે મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રચારની નવી રણનીતિ ઘડી રહી છે, જેથી લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચી શકાય.