ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળે ગ્રામ સેવકોના વર્ષોથી પડતર પ્રશ્નોનો સાત દિવસમાં ઉકેલ લાવવા સરકાર સમક્ષ માંગ કરી છે. માંગણીઓનો સમયમર્યાદામાં સંતોષકારક ઉકેલ નહીં આવે તો ગાંધીજીએ ચીંધેલા સત્ય અને અહિંસાના માર્ગે લોકશાહી ઢબે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.મહામંડળના જણાવ્યા મુજબ, ગ્રામ સેવકોની માંગ માત્ર કર્મચારી હિતની નહીં પરંતુ ખેડૂતલક્ષી પણ છે. અમરેલી જિલ્લામાં ગ્રામ સેવકોનું મહેકમ ઓછું હોવાથી એક ગ્રામ સેવકને ૯થી ૧૦ ગામોની કામગીરી સંભાળવી પડે છે. જેના કારણે ખેડૂતો સુધી સમયસર પહોંચી કૃષિ માર્ગદર્શન આપવું મુશ્કેલ બને છે. સૌની યોજના બાદ પિયત વિસ્તાર વધ્યો હોવા છતાં મહેકમમાં વધારો થયો નથી. સરકારના ધોરણ મુજબ ૫૦૦ ખેડૂતો દીઠ એક ગ્રામ સેવક હોવો જોઈએ, જ્યારે અનેક સ્થળે એક ગ્રામ સેવકને ૩૫૦૦થી વધુ ખેડૂતોની જવાબદારી સોંપાઈ છે.








































