રાજકોટ શહેરમાં નવા રિંગરોડ પર બની રહેલા બ્રિજના કામમાં ક્ષતિ અને બેદરકારી સામે રાજકોટ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. કટારિયા ચોકડી પાસે ચાલી રહેલા બ્રિજના કામમાં ગંભીર ખામીઓ સામે આવતા બે ઈજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે જવાબદારી નક્કી કરવા માટે ડેપ્યુટી કમિશનર અને સિટી ઈજનેરને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.નવા રિંગરોડ પર કટારિયા ચોકડી નજીક અલગ-અલગ ત્રણ નાના બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે ૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જાકે, કામગીરી દરમિયાન બેદરકારી અને વિવિધ પ્રકારની ક્ષતિઓ સામે આવતા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. બ્રિજના બાંધકામમાં અયોગ્ય એલાઇનમેન્ટ, ગુણવત્તા અંગેની ખામીઓ અને કામગીરીમાં થયેલા વિલંબ સહિતની બાબતો ધ્યાનમાં આવી હોવાનું સામે આવ્યું છે.બ્રિજની કામગીરીની તપાસ બાદ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે બ્રિજના બાંધકામમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે બેદરકારી સ્વીકારવામાં આવશે નહીં. આ કાર્યવાહી અંતર્ગત નાયબ ઈજનેર વી.સી. કારીયા અને આસીસ્ટન્ટ ઈજનેર વિશાલ વાગડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બે ઈજનેરો સામે સસ્પેન્શનની કાર્યવાહી ઉપરાંત સમગ્ર કામગીરીની દેખરેખની જવાબદારી સાથે જાડાયેલા અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારીઓ પાસેથી કામગીરીમાં સામે આવેલી ક્ષતિઓ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.બ્રિજના નિર્માણનું કામ કરતી બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીને પણ નોટિસ આપવામાં આવી છે. કામગીરીમાં ખામીઓ અને વિલંબ સહિતના મુદ્દે કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલાની બારીકાઈથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સસ્પેન્ડ કરાયેલા બંને ઈજનેરો સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવશે.મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ અગાઉ રૂબરૂ સ્થળ મુલાકાત લઈને બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બાંધકામની કામગીરીમાં કેટલીક ક્ષતિઓ સામે આવી હતી. ત્યારબાદ આજે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા હવે બ્રિજના બાંધકામની ગુણવત્તા અને કામગીરી પર વધુ સઘન દેખરેખ રાખવામાં આવશે. તપાસમાં જા વધુ બેદરકારી કે ક્ષતિ સામે આવશે તો જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.









































