સૌરાષ્ટ્રના મોરબી, ખાંભા અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામો ગુરુવારે જાહેર થયા છે, જેમાં મોરબી યાર્ડના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મોરબીના જેતપુર ગામે વીજલાઈન વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનની સીધી અસર આ ચૂંટણી પર જાવા મળી છે. ખેડૂતોના આક્રોશને કારણે ભાજપ સમર્થિત ‘સહકાર પેનલ’નો પરાજય થયો છે અને તેની સામે કોંગ્રેસ પ્રેરિત ‘ખેડૂત પરિવર્તન પેનલ’નો ભવ્ય વિજય થયો છે. આ પરિણામ સાથે જ મોરબી યાર્ડ પરના ભાજપના ૨૦ વર્ષ જૂના એકચક્રી શાસનનો અંત આવ્યો છે.
મોરબી માર્કેટ યાર્ડમાં ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે ભારે રસાકસી હતી. લલિતભાઈ કગથરા અને મનોજભાઈ પનારાના નેતૃત્વવાળી કોંગ્રેસ પ્રેરિત પેનલે ખેડૂત વિભાગની ૧૦માંથી ૭ અને વેપારી વિભાગની ૪માંથી ૨ બેઠકો કબજે કરીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપ તરફથી મગનભાઈ વડાવિયા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા જેવા દિગ્ગજાએ એડીચોટીનું જાર લગાવ્યું હતું, છતાં ખેડૂતોએ મતો કોંગ્રેસ તરફ વાળતાં ભાજપનો ગઢ ધરાશાયી થયો હતો. ખેડૂત આંદોલનને શરૂઆતથી મળેલા કોંગ્રેસના સમર્થનનો આ સીધો રાજકીય ફાયદો માનવામાં આવે છે, જેને આગેવાનો રાજ્યવ્યાપી પરિવર્તનની શરૂઆત ગણાવી રહ્યા છે.
બીજી તરફ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ભાજપે પોતાની સત્તા મજબૂતીથી જાળવી રાખી છે. અહીં કોંગ્રેસ મેદાનમાં જ ન હતી. વેપારી અને સહકારી ખરીદ-વેચાણ સંઘની બેઠકો અગાઉ બિનહરીફ જીત્યા બાદ, ખેડૂત વિભાગની તમામ ૧૦ બેઠકો પર પણ ભાજપ પ્રેરિત પેનલે આમ આદમી પાર્ટી સામે જંગી લીડથી જીત મેળવી છે. તમામ બેઠકો અંકે કરીને પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલનો દબદબો અહીં ફરી એકવાર સાબિત થયો છે.
અમરેલી જિલ્લાના ખાંભા એપીએમસીમાં પણ ભાજપે પોતાનું પરંપરાગત પ્રભુત્વ જાળવી રાખ્યું છે. વેપારી પેનલની ૪ બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી. ગુરુવારે ખેડૂત પેનલની ૧૦ બેઠકોની મતગણતરી થતાં, તેમાંથી ભાજપના ઉમેદવારોએ ૮ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે એક બેઠક ત્રીજા પક્ષને ફાળે ગઈ છે. સૌથી રસપ્રદ બાબત એ રહી કે એક બેઠક પર બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. આ નસીબ આધારિત ડ્રોમાં ભાજપમાંથી બળવો કરીને ચૂંટણી લડેલા ઉમેદવાર સુરેશભાઈ નસીતનો વિજય થયો હતો.








































