શહેરના ચકચારી ડિંકી ભુજવાલા હત્યાકાંડમાં આજીવન કેદની સજા પામ્યા બાદ છેલ્લા ત્રણ દાયકાથી જેલમાંથી ફરાર રહેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાના રાઉરકૈલાથી ઝડપી પાડ્યો છે. આરોપી પ્રમોદ ખદાલ સ્વાઈને સુરતથી આશરે ૧૬૦૦ કિલોમીટર દૂર રાઉરકૈલામાં ઓળખ છુપાવીને રહેતો હતો અને ત્યાં ભંગારના વેપાર સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વર્ષ ૧૯૯૪માં સુરતમાં કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન ડિંકી ભુજવાલાની હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. આ હત્યા કેસમાં ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને તપાસ બાદ આરોપી પ્રમોદ ખદાલ સ્વાઈનને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, સજા ભોગવી રહેલા આરોપીને વર્ષ ૧૯૯૭માં તેની પત્નીની સારવાર માટે ૧૫ દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. તેને ૪ જૂન ૧૯૯૭ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત હાજર થવાનું હતું. પરંતુ આરોપી જેલમાં પરત ફર્યો જ નહીં અને ત્યારથી ફરાર થઈ ગયો હતો.
જેલમાંથી ફરાર થયા બાદ આરોપીએ પોતાની ઓળખ છુપાવી હતી. લાંબા સમય સુધી પોલીસની નજરથી બચીને તે ઓડિશાના રાઉરકૈલામાં રહેતો હતો અને ત્યાં ભંગારનો વેપાર કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી છેલ્લા ઘણા વર્ષોથી રાઉરકૈલામાં જ રહેતો હોવા છતાં તેની ઓળખ અને ચોક્કસ લોકેશન પોલીસથી છુપાવવામાં સફળ રહ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચને લાંબા સમયથી ફરાર આજીવન કેદીના સંબંધમાં ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ સહિતની તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ ઇનપુટના આધારે આરોપી રાઉરકૈલામાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ઓડિશા પહોંચી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાઉરકૈલામાં સતત બે દિવસ સુધી વોચ રાખી હતી. આરોપીની હિલચાલ પર નજર રાખ્યા બાદ પોલીસે વેશપલટો કરીને તેની ધરપકડ કરી હતી.
આરોપી સામે માત્ર ડિંકી ભુજવાલા હત્યા કેસમાં જ કાર્યવાહી થઈ નહોતી, પરંતુ જેલમાંથી ફરાર થયા બાદ તેની સામે અલગથી પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૩માં પ્રિઝન્સ એક્ટ હેઠળ જેલમાંથી ફરાર થવા મામલે અલગ ગુનો નોંધાયો હતો. આ રીતે ૧૯૯૭થી પોલીસ અને કાયદાની પકડથી દૂર રહેલો આરોપી આખરે લગભગ ત્રણ દાયકા બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે.
૧૯૯૪ના ચકચારી ડિંકી ભુજવાલા હત્યાકાંડ સાથે સંકળાયેલા અને આજીવન કેદની સજા પામેલા આરોપીને ઓડિશાના રાઉરકૈલાથી ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર આરોપીએ સ્થળ અને ઓળખ બદલાવીને પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આખરે તેની ભાળ મળી અને વેશપલટો કરી પોલીસે તેને ઝડપી પાડ્યો.








































