લાઠી તાલુકાના અકાળા ગામના ફરિયાદીએ તા.૦૬/૦૯/૨૦૨૬ના રોજ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં હાર્દીકભાઇ રમેશભાઇ ખાંભુ (રહે. મહાવીરનગર, લાઠી) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર આરોપી હાર્દીકે ફરિયાદીની ૧૭ વર્ષની દીકરી સાથે સ્નેપચેટ અને વોટ્‌સએપ દ્વારા સંપર્ક કેળવ્યો હતો. સગીરા હોવા છતાં તેને લલચાવી ફોસલાવી મળવા બોલાવી હતી. તા.૧૫/૦૮/૨૦૨૬ના સવારે દસ વાગ્યે તેમજ તે પહેલાના દોઢ વર્ષ દરમિયાન ચાવંડ રોડ પર આવેલ હોટેલ અને દુધાળા હેતની હવેલી નજીક તળાવ પાસે આરોપીએ કિશોરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ તેની મરજી વિરુધ્ધ શારીરિક અડપલાં કરી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેમજ મળવા ગયા સમયના ફોટા પાડી તે ફોટા સગીરાના પિતા અને મામાના ફોનમાં મોકલી આપ્યા હતા. આ અંગે લાઠી પોલીસે આરોપી સામે ગૂનો નોંધી કાર્યવાહી કરી છે.