અમરેલી જિલ્લાની બાલભવન ૧૦૮ ઈમરજન્સી ટીમે ત્વરિત સેવા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં ખેતરમાં જ સગર્ભા મહિલાની સુરક્ષિત અને સફળ પ્રસુતિ કરાવી છે. સગર્ભા મહિલા અંગેનો ઈમરજન્સી કોલ મળતાં બાલભવન ૧૦૮ની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે જ અસહ્ય દુખાવો શરૂ થતાં સ્થિતિ હાઈ-રિસ્ક બની ગઈ હતી. બાળકની સ્થિતિ નાજુક હોવાથી સમય બગાડ્યા વિના ઈ.એમ.ટી. વિશાલ પડસાલા અને પાયલોટ દિનેશભાઈ ચૌહાણે ખેતરમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ સ્થિત કોલ સેન્ટરના ફિઝિશિયન ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમે કુશળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી જરૂરી સારવાર આપી હતી. માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાથી તેમને સહી-સલામત અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.









































