અમરેલી જિલ્લામાં સાબરમતીથી વેરાવળ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ગંભીર ઘટના સામે આવતાં રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. લાઠી અને ખીજડીયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા ઈસમોએ ચાલુ ટ્રેન પર અચાનક પથ્થરમારો કર્યો હતો. આ હુમલાને કારણે ટ્રેનના કોચની બારીનો કાચ તૂટી ગયો હતો, જેના પગલે મુસાફરોમાં ક્ષણભર માટે ગભરાટ વ્યાપી ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ બનાવમાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા દળ (RPF), જીઆરપી અને સ્થાનિક લાઠી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ધોળા RPF અધિકારી ગોલકરે જણાવ્યા અનુસાર, પથ્થરમારો કરનારા અજાણ્યા શખ્સોને પકડવા માટે લાઠી-ખીજડીયા વચ્ચેના વિસ્તારમાં સઘન વિશ્લેષણ અને તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેનની સુરક્ષા સુનિશ્ચિત કર્યા બાદ તેને વેરાવળ તરફ આગળ રવાના કરવામાં આવી હતી.