લીલીયાના લાઠી રોડ પર આવેલા સરદાર ચોકમાંથી તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી લગાવવામાં આવેલા ચાર સીસીટીવી કેમેરા ગાયબ થતાં ચર્ચા જાગી છે. આશરે એક મહિના પહેલાં કેમેરા ગાયબ થયાની વાત સામે આવી હોવા છતાં તે અંગે ગ્રામ પંચાયત પાસે પણ કોઈ માહિતી ન હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ અરજણભાઈ ધામતે જાહેર સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સરદાર ચોક પોલીસ ચોકીથી માત્ર ૧૦૦ મીટરના અંતરે આવેલો છે. અહીં રાત્રિના સમયે હોમગાર્ડની પણ વ્યવસ્થા હોવા છતાં કેમેરા કોણ ઉતારી ગયું તેની જાણકારી નથી.વધુમાં શહેરના બાયપાસ ચાર રસ્તા સહિત અન્ય મહ¥વપૂર્ણ ચોકડીઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંધ હોવાની ચર્ચા છે. જાહેર નાણાંમાંથી ઊભી કરાયેલી સુરક્ષા વ્યવસ્થાની જાળવણી અને દેખરેખ અંગે જવાબદાર તંત્ર સ્પષ્ટતા કરે તેવી માંગ ઊઠી છે.









































