તહેવારોની મોસમમાં વેપારીઓને બે, પાંચ અને દસ રૂપિયાના છૂટા નાણાં એટલે ચિલ્લર તેમજ નવી નોટો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને અમરેલી વેપારી મહામંડળ દ્વારા અમરેલીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. હાલ તહેવારોના દિવસોમાં ગ્રાહકો સાથેના વ્યવહારમાં છૂટા નાણાંની અછતને કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બજારમાં બે, પાંચ અને દસ રૂપિયાનાં છૂટા નાણાં તથા નવી નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી વેપાર-ધંધા પર અસર થઈ રહી છે. આ અંગે અમરેલી શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા ચેમ્બરના પ્રમુખો અને વેપારી સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.આ અનુસંધાને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભગીરથ ત્રિવેદી, વેપારી મહામંડળના પ્રમુખ બિરજુભાઈ અટારા, મંત્રી નયનભાઈ પરસાણીયા તથા માર્ગદર્શક અને પૂર્વ પ્રમુખ સંજયભાઈ વણઝારા દ્વારા એસબીઆઈના ઉપપ્રબંધક વિજયભાઈને વેપારીઓની મુશ્કેલીઓ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાની બેંક શાખાઓમાં પણ પૂરતા પ્રમાણમાં છૂટા નાણાં ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી હતી. બેંકના ઉપપ્રબંધકે રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપી આ પ્રશ્ન રિઝર્વ બેંક સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી.
આગામી દિવસોમાં છૂટા નાણાં ઉપલબ્ધ થતાં વેપારીઓને જાણ કરી શક્ય તમામ સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી. આ હકારાત્મક પ્રતિસાદ બદલ બંને વેપારી સંગઠનો દ્વારા બેંક અધિકારીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અંગે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શિંગાળા અને મિતુલભાઈ ગણાત્રાની યાદીમાં જણાવાયું છે.






































