અમદાવાદમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે મહાનગરપાલિકા (એએમસી) કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. બુધવારે યોજાયેલી રિવ્યુ બેઠકમાં શહેરના રસ્તાઓ પર ફરતાં ૧૫ વર્ષથી જૂનાં વાહનો સીઝ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત નિયમોનું પાલન કર્યા વિના ચાલતાં બાંધકામનાં સ્થળો સીલ કરવા અને રસ્તાઓ પરથી દબાણો દૂર કરવા સહિતના મુદ્દે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા.
પ્રદૂષણ નિયંત્રણના મુદ્દે યોજાયેલી ચર્ચામાં આરટીઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ અને રાયખડ વિસ્તારમાં નિયમોનું પાલન કર્યા વિના ચાલી રહેલાં બાંધકામનાં સ્થળોને સીલ કરવા કમિશનરે સૂચના આપી હતી. સાથે જ શહેરમાં ફરતાં ૧૫ વર્ષથી જૂનાં વાહનો સીઝ કરવાની કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો હતો. પ્રદૂષણ રોકવા માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન રાખીને કડક પગલાં ભરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે ૪,૫૦૦ બસ સ્ટેન્ડ પર લાઇન દોરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કમિશનરે તાકીદ કરી હતી. બસો નિર્ધારિત જગ્યાએ જ ઊભી રહે અને ટ્રાફિકને અડચણ ન થાય તે માટે યોગ્ય મા‹કગ કરવાની સૂચના આપવામાં આવી હતી.
શહેરમાં અંડરગ્રાઉન્ડ યુટિલિટી અને શાકમાર્કેટની આસપાસનાં રસ્તાઓ પર થયેલાં દબાણો દૂર કરવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ કામગીરીમાં નિષ્ફળ રહેનારા અધિકારીઓને શો-કોઝ નોટિસ આપવાની ચીમકી કમિશનરે આપી હતી. કામગીરીમાં બેદરકારી દાખવનારા અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
બેઠકની શરૂઆત જાહેર શૌચાલયોના બ્લોક અંગેના પ્રેઝન્ટેશનથી થઈ હતી. પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં શૌચાલયોની જાળવણીમાં ખામીઓ સામે આવી હતી. ક્્યાંક રંગકામ યોગ્ય રીતે થયું નહોતું તો ક્યાંક દરવાજા, બારીઓ, લાઇટ અને પાઇપલાઇનની સમસ્યાઓ હતી. આ મુદ્દે કમિશનરે અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
શહેરમાં ૫૨ નવા શૌચાલય બ્લોક બનાવવાનું આયોજન છે, જેમાંથી ૨૭ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. આ સ્થળોએ કામગીરી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. સ્માર્ટ ટોઇલેટની વાસ્તવિક સ્થિતિ જાણવા વિજિલન્સ ટીમ દ્વારા સર્વે કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
ઘન કચરા વ્યવસ્થાપનની સમીક્ષા દરમિયાન શહેરમાં ૭૬ ટકા કચરાનું સેગ્રિગેશન થતું હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. ડિજિટલાઇઝેશનની કામગીરી પણ લગભગ પૂર્ણ થઈ હોવાનું બેઠકમાં જણાવાયું હતું.‘સંવેદના’ પ્રોજેક્ટ હેઠળ બલ્ક વેસ્ટ જનરેટ કરતી હાઉસિંગ સોસાયટીઓ અને મોલમાંથી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ એકત્રિત કરવા વાહનો મોકલવામાં આવશે. આ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાની યોજના છે. આ ઉપરાંત પુસ્તક મેળામાં એકત્રિત થયેલાં ૨,૦૦૦થી વધુ પુસ્તકો મ્યુનિસિપલ સફાઈ કામદાર કલ્યાણ બોર્ડના સફાઈ કામદારોનાં બાળકોને આપવામાં આવશે. મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં નાની ઉંમરથી નાગરિક તરીકેની ફરજ અને સિવિક સેન્સ વિકસે તે માટે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ તાલીમ આપવાની સૂચના આપવામાં આવી હતી.








































