ખાંભા તાલુકાના જૂના માલકનેશ ગામમાં વહેલી સવારે એક સિંહ રહેણાક મકાનમાં ઘૂસી જતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે સિંહે પશુનું મારણ કર્યા બાદ એક સિંહ અમરૂભાઈ વરુના મકાનમાં પ્રવેશ્યો હતો અને ઘરના એક ઓરડામાં જઈને બેસી ગયો હતો.સિંહ લાંબા સમય સુધી ઓરડામાંથી બહાર ન નીકળતાં પરિવારજનો સહિત ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી સ્થાનિક લોકોએ હિંમત દાખવી સાવચેતીના ભાગરૂપે ઓરડાનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ટીમે ટ્રાન્ક્વીલાઈઝર ગનનો ઉપયોગ કરીને સિંહને બેભાન કર્યો હતો અને ત્યારબાદ સુરક્ષિત રીતે પાંજરામાં પૂરી લીધો હતો. કલાકો સુધી ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનાને પગલે ગામમાં લોકોના ટોળાં એકત્ર થયાં હતાં.







































