રાજ્યના છેવાડાના જિલ્લામાંથી સગીરોના માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના ઘરમાં રાખેલા ૪૫ લાખથી વધુના સોનાચાંદીના દાગીના તેની દીકરીના પુરુષ મિત્રએ પડાવી લીધા છે. ત્યારે આ મામલે ડુંગરી પોલીસે સગીર છોકરીનું નિવેદન લઈ સઘન તપાસ હાથ ધરી છે. ડુંગરી પોલીસે આ મામલે આરોપી ધ્રુવીલ પટેલની ધરપકડ કરી છે.
આ અંગે એ.કે. વર્મા પોલીસ અધિક્ષકે માહિતી આપતા જણાવ્યું છે કે, વલસાડ જિલ્લાના ડુંગરીમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સોશિયલ મીડિયા સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આરોપી ધ્રુવીલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આટલેથી જ નહીં અટકતાં સગીરાના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી.
આ અંગત ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી સગીરા માટે સતત માનસિક દબાણનું કારણ બની હતી. આરોપીએ બદનામ કરી દેવાની ધમકી આપી સગીરા પાસેથી બે લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને ૩૨ તોલાથી વધુના સોનાના દાગીના પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પરિવારમાં જ્યારે દાગીનાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે દાગીના અંગે પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા ડુંગરી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપી ધ્રુવીલની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી ૧૫ તોલાથી વધુ સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા છે. જોકે, ફરિયાદમાં ૩૨ તોલાથી વધુ દાગીના પડાવી લીધા હોવાનો ઉલ્લેખ છે, ત્યારે બાકીના દાગીના ક્યાં છે? આરોપીએ તેનું શું કર્યું? અને રોકડ રકમનો ક્યાં ઉપયોગ કર્યો? તે સહિતના સવાલોના જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.