અમરેલી જિલ્લાના ખેડૂતોને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેત ઓજારો અને સાધનોની ખરીદી માટે સહાય મળી રહે તે હેતુથી પૂર્વમંજૂરી આપવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ યોજના અંતર્ગત સામાન્ય ખેડૂતો માટે એ.જી.આર.-૨ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એ.જી.આર.-૪ હેઠળ પાત્ર ખેડૂતોને પૂર્વમંજૂરી અંગેની જાણ મોબાઈલ સંદેશ દ્વારા કરવામાં આવી રહી છે. આ
ઉપરાંત, ગ્રામસેવકો દ્વારા પણ ખેડૂતોને પૂર્વમંજૂરી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે ખેત ઓજારો અને સાધનોની ખરીદી માટે પૂર્વમંજૂરી મળી હોય તેવા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર દર્શાવેલા માન્ય નમૂનાઓ પૈકીના જ સાધનોની ખરીદી કરવાની રહેશે. પૂર્વમંજૂરી મળ્યાની તારીખથી ૩૦ દિવસની અંદર ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે.ખરીદી પૂર્ણ થયા બાદ સંબંધિત સાધનોનાં જરૂરી દસ્તાવેજો આઈ-ખેડૂત પોર્ટલ પર અપલોડ કરીને દરખાસ્ત તાલુકા કક્ષાએ મોકલવાની રહેશે. આ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે ખેડૂતોએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
યોજનાની અમલવારી અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે અમરેલી જિલ્લાના ખેડૂતોને પોતાની તાલુકાની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતો ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી પાસેથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકશે.









































