અમરેલીની સુવિધાસભર આસ્થા હોસ્પિટલને રાજ્ય સરકારની ઓથોરાઈઝ કમિટી દ્વારા માનવ શરીરના અંગોના પ્રત્યારોપણ માટે ૧૯૯૪ના કાયદા હેઠળ ઓર્ગન ડોનેશન પ્રક્રિયા માટે માન્યતા આપવામાં આવી છે. આ અંગે અમરેલીના જાણીતા ફિઝિશિયન ડા. અશોક પરમારે જણાવ્યું હતું કે, હોસ્પિટલને મંજૂરી મળતાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. આધુનિક ટેકનોલોજી અને મેડિકલ ક્ષેત્રની વૈજ્ઞાનિક પ્રગતિ માનવજીવન બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ઓર્ગન ડોનેશન અંતર્ગત ડોનર પાસેથી હોસ્પિટલ દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ સાથે સંવેદન ગ્રૂપના પ્રમુખ વિપુલ ભટ્ટીને ઓર્ગન ડોનેશન અવેરનેસની જવાબદારી સોંપવામાં આવી છે. વિવિધ સામાજિક સંસ્થાઓ, હોસ્પિટલો, ડાક્ટરો અને વોલન્ટિયર્સને સાથે રાખીને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.









































