મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામે બાળકોના સ્વાસ્થ્ય માટે એક અનોખો અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. લગભગ ૫ હજારની વસ્તી ધરાવતા ગામમાં હવે રૂ. ૫ અને રૂ. ૧૦ના જંકફૂડના પડીકા તેમજ બસ સ્ટેશન આસપાસની પાણીપુરી, દાબેલી, વડાપાઉ અને પાઉ-ભાજીની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમ તોડનાર સામે દંડથી લઈને દુકાનના બહિષ્કાર સુધીની કાર્યવાહી થશે. બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપતો ચાણસોલ ગામનો આ નિર્ણય હવે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે.
બાળકોમાં વધતા જંકફૂડના સેવનને અટકાવવા મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના ચાણસોલ ગ્રામજનોએ સર્વાનુમતે મહત્વનો નિર્ણય લીધો છે. ૧૫ ઓગસ્ટે યોજાયેલી ગ્રામસભામાં ગામના વેપારીઓ અને ગ્રામજનોએ મળીને જંકફૂડના પડીકાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કર્યો હતો. ચાણસોલ ગામમાં હવે રૂ. ૫ અને રૂ. ૧૦ના પેકેટવાળા નાસ્તા વેચાશે નહીં. સાથે જ બસ સ્ટેશન આસપાસ પાણીપુરી, પકોડી, વડાપાઉ, દાબેલી અને પાઉ-ભાજીની લારીઓ પણ બંધ કરાવવામાં આવી છે. ગામમાં આ અંગે જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે અને લોકજાગૃતિ માટે રેલી પણ યોજવામાં આવી હતી.
જંકફૂડના પડીકા નહીં વેચવાના નિયમનું ચુસ્ત પાલન થાય તે માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. પ્રથમ વખત પડીકા વેચતા ઝડપાયેલા દુકાનદારને રૂ. ૧,૦૦૦નો દંડ થશે. બીજી વખત નિયમ તોડનાર દુકાનદારની દુકાનનો સામૂહિક બહિષ્કાર અથવા દુકાન બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે છુપાઈને વેચાણ કરતા વેપારી પાસેથી રૂ. ૧૦,૦૦૦નો દંડ વસૂલવામાં આવશે. ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામ અગાઉ ખેરાલુ તાલુકાના ડાવોલ ગામમાં પણ આજ પ્રકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સ્વાસ્થ્યને નુકશાન કરતા પડીકાના નાસ્તા બંધ કરાવ્યા બાદ હવે ચાણસોલ ગામમાં પડીકા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
ઓછા પોષકતત્વવાળા ખાદ્યપદાર્થો બાળકોના સ્વાસ્થ્યને લાંબાગાળે નુકસાન કરી શકે છે તે અંગે ગામમાં ચર્ચા થઈ હતી. આથી ગામમાં પાર્લર સહિત ૩૦ જેટલી દુકાનો હોવાથી પ્રથમ વેપારીઓને વિશ્વાસમાં લઈ નિર્ણયનો અમલ કરાવવાનું નક્કી કરાયું હતું. બાદમાં તમામ વેપારીઓને લેખિત નોટિસ આપી રામદેવપીર મંદિર સંકુલમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં વેપારીઓએ સર્વાનુમતે પડીકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા સંમતિ આપી હતી. દુકાનોમાં પડેલા જૂના પડીકાનો જથ્થો વેચીને ખાલી કરી દેવાનો અને ત્યારબાદ નવો જથ્થો નહીં લાવવાનો નિર્ણય લેવાયો હતો.








































