ગુજરાતમાં ફરી એકવાર રેલવે રૂટથી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પરથી પશ્ચિમ રેલવેની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૯.૨૩ લાખ રૂપિયાની કિંમતનો ૧૮.૪૬૭ કિલો ગાંજા ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે ૨૫ વર્ષીય કર્મવીર પાટીલની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથી અને આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હર્ષસિંહ લલકસિંહ ફરાર થઈ ગયો છે.
તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ રેલવે રાજકોટ ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગમાં હતી. બપોરના સમયે પ્લેટફોર્મ નંબર ૧ના વાંકાનેર તરફના છેડે બે યુવાનો ટ્રોલી બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા હતા.ડીવાયએસપી એચ. એમ. રાણાના જણાવ્યા અનુસાર, પોલીસને જાતા જ એક શખ્સ ભીડનો ફાયદો ઉઠાવીને નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે ત્યાં ઉભેલા બીજા યુવાન કર્મવીર પાટીલની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પૂછપરછમાં કર્મવીરે પોતે છત્તીસગઢના સુરજપુર જિલ્લાનો વતની હોવાનું કબૂલ્યું હતું. જ્યારે ટ્રોલી બેગમાં શું છે તે પૂછતા તેણે સીધું જ કહી દીધું કે અંદર માદક પદાર્થ છે. ત્યારબાદ એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી અને તપાસમાં તે ગાંજા હોવાનું સાબિત થયું હતું.
આ કેસની સૌથી મહત્વની કડી છે ડ્રગ્સનો રૂટ. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ ઓખા-શાલીમાર એક્સપ્રેસમાં છત્તીસગઢથી રાજકોટ આવ્યા હતા. પોલીસ સૂત્રોનું માનીએ તો, છત્તીસગઢ અને ઓડિશા બોર્ડર વિસ્તાર ગાંજાની ખેતી માટે કુખ્યાત છે. ત્યાંથી ઓછી કિંમતે ગાંજા ખરીદીને તેને ટ્રેન મારફતે ગુજરાતના મોટા શહેરોમાં લાવવામાં આવે છે. રાજકોટમાં તેની કિંમત ૫ ગણી થઈ જાય છે. આ કેસમાં ૧૮ કિલો ગાંજાની કિંમત ૯.૨૩ લાખ આંકવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ડિલિવરી કોને આપવાની હતી તેની માહિતી માત્ર ફરાર આરોપી હર્ષસિંહ પાસે જ હતી. કર્મવીર તો માત્ર કેરિયર તરીકે ઉપયોગમાં લેવાયો હતો. પોલીસની પૂછપરછમાં કર્મવીરે જે કારણ આપ્યું તે દરેક યુવાન માટે લાલબત્તી સમાન છે. આવતા મહિને તેની સગાઈ છે અને તેના માટે પૈસાની સખત જરૂર હતી. આ જ મજબૂરીનો ફાયદો હર્ષસિંહે ઉઠાવ્યો.
હર્ષસિંહે તેને કહ્યું હતું કે, “માત્ર બેગ પહોંચાડવાની છે, ૨૦ હજાર રોકડા મળશે.” ૨૦ હજારની લાલચમાં આવીને કર્મવીર ગુનાના રસ્તે વળી ગયો અને હવે તેને એનડીપીએસ એક્ટ હેઠળ ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. હાલ રેલવે પોલીસે કર્મવીર પાટીલ અને હર્ષસિંહ વિરુદ્ધ દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રાજકોટમાં આ ગાંજાનો જથ્થો લેવાવાળો કોણ હતો? શું આ કોઈ મોટા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો ભાગ છે? રેલવે સ્ટેશન પર એલસીબીની સતર્કતાથી એક મોટો જથ્થો બજારમાં પહોંચતા અટકી ગયો છે, પરંતુ આ કેસ સવાલ ઉભો કરે છે કે ટ્રેનોમાં સુરક્ષા વચ્ચે આટલો મોટો જથ્થો કેવી રીતે પહોંચે છે?
“તા. ૬ના રોજ રાજકોટ રેલવે એલસીબીની ટીમ પ્લેટફોર્મ નંબર ૧ પર પેટ્રોલિંગમાં હતી. વાંકાનેર તરફના છેડે બે ઇસમો ટ્રોલી બેગ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને જાઈને એક ઇસમ નાસી ગયો છે. બીજા ઇસમ કર્મવીર પાટીલની પૂછપરછ કરતા તેણે ટ્રોલી બેગમાં માદક પદાર્થ હોવાનું જણાવ્યું હતું.એફએસએલને બોલાવતા તે ગાંજા હોવાનું ખુલ્યું છે. કુલ ૧૮.૪૬૭ કિલો ગાંજા કબજે કરી એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.”








































