લખપત તાલુકામાં વરસાદના અભાવે દુકાળ જેવી સ્થિતિ સર્જાતાં માલધારીઓ માટે પશુધનને બચાવવું મુશ્કેલ બન્યું છે. ઘાસચારા અને પાણીની ભારે અછત વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાંથી માલધારીઓ હવે હિજરત કરવા મજબૂર બન્યા છે. દરરોજ ૭થી ૮ જેટલી ગાડીઓમાં પશુઓ ભરી માલધારીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આશરો શોધવા નીકળી રહ્યા છે. અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા લખપતના બેખડા ગામના માલધારીઓ ભારે હૈયે પોતાના ઘર-બારને તાળા મારી, બાળકો અને પશુધન સાથે હિજરતનો રસ્તો અપનાવી રહ્યા છે.
લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા વરસાદના અભાવે ઘાસચારો અને પાણીનો ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પશુઓને જીવતા રાખવા માટે માલધારીઓ હવે પોતાના વતનથી દૂર જવા મજબૂર બન્યા છે. દરરોજ ૭થી ૮ ગાડીઓમાં પશુધન ભરી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આશરો લેવા માલધારીઓ નીકળી રહ્યા છે. અનેક વખત તંત્ર પાસે રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા હવે હિજરત જ માલધારીઓ માટે છેલ્લો વિકલ્પ બની રહી છે.
લખપતના માલધારી, આરબભાઈએ પોતાની વ્યથા જણાવતા કહ્યુ કે, લખપત તાલુકાના બેખડા ગામમાંથી માલધારીઓ ભારે હૈયે પોતાના પશુધન અને બાળબચ્ચાં સાથે હિજરત કરી રહ્યા છે.અમે સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે.
અમને રાહતના ભાવે ઘાસચારો મળી રહે તો હિજરત બંધ થાય. પશુઓને પીવાનું પાણી છે પણ ખાવાનું નથી. હવે અમારે કિમી દૂર જવાનું છે, અમારા બાળકો પરિવાર અને પશુઓ સાથે જવાનું હોય છે. હિજરત માટે કોઈએ આધાર કાર્ડ અને પર્સનલ લોન લીધી છે તો કોઈએ પોતાના પશુઓ વેચી દીધા છે. ગામ અમારું ખાલી થઈ ગયું. બાળકોને શાળામાં ભણવામાં તકલીફ થાય છે.
લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હુસેન રાયમાએ પણ સરકાર સમક્ષ માલધારીઓને રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, જો સરકાર દ્વારા વહેલી તકે આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આવે તો બેખડા ગામની જેમ લખપત તાલુકાના અન્ય ગામોના માલધારીઓ પણ પશુધન સાથે હિજરત કરવા મજબૂર બનશે.
ત્યારે માલધારીઓને પોતાના વતન છોડવાની નોબત ન આવે તે માટે સરકાર દ્વારા ઘાસચારો અને પાણી સહિતની યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, તાલુકામાં માનવ વસ્તી કરતા પશુધનની સંખ્યા વધારે છે. તાલુકામાં પશુઓ માટે તાત્કાલિક ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. આ ગરીબ ખેડૂતોને યોગ્ય ધિરાણ મળવું જોઈએ.