અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં ધોધમાર વરસાદ વરસતા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ઉભા પાકને લઈને ચિંતા વ્યાપી હતી. દરમિયાન આજે વરસેલા વરસાદથી સૂકાઈ રહેલા પાકને જાણે નવજીવન મળ્યું હોય તેમ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદના આગમનથી ધરતીપુત્રોના ચહેરા પર રાહત છવાઈ હતી. જોકે, હજુ પણ સારા અને સાતત્યપૂર્ણ વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વરસાદ વધુ વરસે તો ખેતીના પાકને મોટો ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.









































