અમરેલી ડેપોની જાફરાબાદ-ગાંધીનગર એસ.ટી.બસ ગીરીયા ગામ પાસે રોડ પરથી નીચે ઉતરી જતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે ડેપો મેનેજર દવેએ ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાફરાબાદથી આવી અમરેલીથી રાત્રિના ગાંધીનગર જવા ઉપડેલી બસ ૧૧ઃ૩૦ કલાકે ગીરીયા ગામ પાસે પહોંચતા જ અચાનક જ ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેથી બસ નં.જી.જે.૧૮ ઝેડ-ટી ર૭૯પ રોડ પરથી નીચે ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાની જાણ થતા અમરેલી ડેપો મેનેજર દેવ સ્થળ પર ધસી ગયા હતા. જયાં મુસાફરોએ ડ્રાઈવર ભાવેશ બોચીયા દારૂ પી બસ ચલાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. બસ ઉતરી જતા ડ્રાઈવર બસ મુકી ફરાર થઈ ગયો હતો. જેથી ડેપો મેનેજરે અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જા કે સવારે ડ્રાઈવર પોલીસ સ્ટેશને હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી હવાલાતમાં મોકલ્યો હતો. ભુતકાળમાં ડ્રાઈવરો નશાની હાલતમાં બસ ચલાવતા હોવાના અનેકવાર આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે વિભાગીય નિયામક મુસાફરોના જીવ જાખમમાં મુકનાર ડ્રાઈવર સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યુ.