રાજકોટ શહેરના ચકચારી સામૂહિક આપઘાત પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.મૃતક પરિવારના કૌટુંબિક ભત્રીજા દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફાઇનાન્સર સંદીપ લખતરિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફાઇનાન્સર દ્વારા મૃતક પરિવાર પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી. આરોપીના ત્રાસથી કંટાળીને આ પરિવારે આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.ભાવિન ખખ્ખરે જણાવ્યું છે કે આરોપી સંદીપ લખતરિયા પોતાને મીડિયા કર્મી તરીકે ઓળખાવતો હતો અને તેનો રોફ જમાવતો હતો. ખખ્ખર પરિવારે તેને અગાઉથી જ ૨૨ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં વધુ બે લાખ રૂપિયાની માંગણી કરીને પરિવારને સતત હેરાન કરવામાં આવતો હતો. આરોપી દ્વારા નાણાંની વસૂલાત માટે અમાનવીય ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.
પરિવાર પર ગુજારેલા અત્યાચારની વિગતો આપતા જણાવ્યું કે મૃતકના ભત્રીજાને આરોપીએ પોતાની ઓફિસમાં બાન પકડીને પૂરી રાખ્યો હતો. એટલું જ નહીં પરંતુ દબાણ કરીને તેની પાસેથી સોનાની વીંટી પણ પડાવી લેવામાં આવી હતી. આ પ્રકારની માનસિક અને શારીરિક યાતનાઓ સતત આપવામાં આવતી હતી. આ ત્રાસ સહન ન થવાથી આખા પરિવારે અંતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું.પીડિત પરિવારે પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે આવા નિર્દય વ્યાજખોર વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. આરોપીને સખતમાં સખત સજા મળે અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ અન્ય નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈએ પણ આવા વ્યાજના વિષચક્રમાં ક્યારેય ફસાવવું નહીં.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફાઇનાન્સર દ્વારા માત્ર ૧૦૦૦૦૦ રૂપિયાની રકમની વસૂલાત માટે સતત દબાણ કરવામાં આવતું હતું. નાણાં ચૂકવવા માટે પરિવારને અવારનવાર ધમકીઓ આપવામાં આવતી હતી. આ માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખો પરિવાર માનસિક તાણમાં આવી ગયો હતો.નોંધનીય છે કે, ગત ૨૭ જુલાઈના રોજ ખખ્ખર પરિવારના દંપતી અને પુત્રએ પોતાના જ ઘરમાં જીવન ટૂંકાવી લીધું હતું. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પરિવારે પોતાના જ નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે હવે મૃતકના સ્વજનોએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને ફાઇનાન્સરની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.