શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી ૨૦ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર સુધી આયોજિત આ ૭ દિવસીય મેળામાં દેશ-વિદેશમાંથી લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે. આ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને સરળતાથી દર્શનનો લાભ મેળવી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર સાથે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટે સવારની આરતી અને રાત્રિના દર્શનના સમય લંબાવ્યા છે. હવેથી સામાન્ય દિવસોમાં સવારે ૭.૩૦ કલાકે થતી આરતી મેળાના સાતેય દિવસ સવારે ૬.૦૦ વાગ્યાથી થશે. તેમજ બપોર બાદ ૪.૩૦ કલાક સુધી ખુલ્લું રહેતું મંદિર હવે ૫.૦૦ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. આ ઉપરાંત, રાત્રે ૯.૦૦ વાગ્યે મંગળ થતું મંદિર હવે મધ્યરાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે.
યાત્રિકોના ભારે ઘસારાને કારણે દર્શન વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અન્ય બે મહ¥વના નિર્ણયો પણ લેવાયા છે. મેળા દરમિયાન મંદિરના ચાચરચોકમાં આવેલી યજ્ઞશાળામાં કોઈપણ પ્રકારના હોમ-હવન કરી શકાશે નહીં, તથા માતાજીને ધરાવવામાં આવતા અન્નકૂટ પણ આ ૭ દિવસ દરમિયાન ધરાવી શકાશે નહીં.
મેળા દરમિયાન (તા. ૨૦/૦૯/૨૦૨૬ થી ૨૬/૦૯/૨૦૨૬) અંબાજી મંદિરના દર્શન અને આરતીનો સમય દર્શાવતું કોષ્ટક
સમય વિગત
સવારે ૬ઃ૦૦ થી ૬ઃ૩૦ સવારની આરતી
સવારે ૬ઃ૩૦ થી ૧૧ઃ૩૦ દર્શન ચાલુ રહેશે
બપોરે ૧૧ઃ૩૦ થી ૧૨ઃ૩૦ મંદિર બંધ (મંગળ) રહેશે
બપોરે ૧૨ઃ૩૦ થી સાંજે ૫ઃ૦૦ દર્શન ચાલુ રહેશે
સાંજે ૫ઃ૦૦ થી ૭ઃ૦૦ મંદિર બંધ (મંગળ) રહેશે
સાંજે ૭ઃ૦૦ થી ૭ઃ૩૦ સંધ્યા આરતી
સાંજે ૭ઃ૩૦ થી રાત્રિના ૧૨ઃ૦૦ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે
મેળા સંદર્ભે અંબાજી મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદી જણાવે છે કે, મેળામાં આવતા લાખો પદયાત્રીઓને સુગમતાથી દર્શન થાય તે માટે આરતી અને દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે તથા ભીડ નિયંત્રણ અને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોમ-હવન અને અન્નકૂટ સેવાઓ મેળા દરમિયાન સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે.