અમરેલી જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. કોઠાપીપરીયાના પાટીયા પાસે ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતાં ટુ-વ્હીલર ચાલકનું મોત નિપજ્યું હતું. મૃતક ધારી ખાતે પોતાની બહેનના ઘરે આવતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.આ અંગે વિસાવદરના પીયાવા (ગીર) ગામે રહેતા શશિકાન્તભાઈ વિઠ્ઠલભાઈ દેગામા (ઉ.વ.૩૫)એ અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, મૃતક પોતાનું મોટરસાયકલ લઈને ઘરેથી ધારી ખાતે પોતાની બહેનના ઘરે આવતા હતા. આ સમયે ધારી-વિસાવદર રોડ પર કોઠાપીપરીયા ગામના પાટીયા પાસે પહોંચતાં સામેથી આવતા એક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી મોટરસાયકલ સાથે અથડાવ્યું હતું.આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરના અન્ય ભાગોએ નાની-મોટી ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને નાસી છૂટ્યો હતો. આ અંગે ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. વી. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.