અમરેલી શહેરમાં સંધિ સોસાયટીના પાછળના ભાગેથી પસાર થતી ઠેબી નદીના પટમાંથી એક અજાણ્યા પુરુષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નદીના પાણીમાં તરતો મૃતદેહ નજરે પડતાં સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.નદીમાં અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની વાત વાયુવેગે પ્રસરતાં સ્થાનિકોના ટોળેટોળાં કિનારે એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતાં રહીશોએ તાત્કાલિક સ્થાનિક પોલીસ મથકને આ અંગે ટેલિફોનિક જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તરવૈયાઓ અને સ્થાનિક લોકોની મદદ વડે ભારે જહેમત બાદ મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર કે દસ્તાવેજ ન મળતાં તાત્કાલિક તેમની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકનું મોત ડૂબી જવાથી થયું છે, અકસ્માતે પગ લપસી જવાથી ઘટના બની છે કે પછી કોઈ અન્ય ગુનાહિત ઈરાદો છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.આ બનાવ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. એન. માલકિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































