રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ ફાળવણીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. જરૂરિયાતમંદ પરિવારોને ઘર મળે તે હેતુથી અમલમાં મૂકાયેલી યોજનામાં એક જ પરિવારને બે આવાસ ફાળવાયા હોવાના અગાઉ ૧૧ કિસ્સા સામે આવ્યા હતા. હવે આવો જ વધુ એક ૧૨મો કિસ્સો સામે આવતા સમગ્ર પ્રક્રિયાની ચકાસણી અને સ્ક્રુટિની વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.
આ કિસ્સામાં ખાસ વાત એ છે કે પત્નીના નામે અગાઉથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવાઈ ચૂકયું હતું. તેમ છતાં પતિના નામે પણ અલગ આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પતિ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં અગાઉથી ફ્લેટ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ સામે આવ્યો છે.
સામે આવેલી વિગતો અનુસાર, મીનાબેન વિજયભાઈ લોરીયાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦માં લક્ષ્મણરાવ ટાઉનશીપમાં આવાસ ફાળવવામાં આવ્યો હતો. આ મકાનનો દસ્તાવેજ ૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ કરવામાં આવ્યો હતો. દંપતી દ્વારા આવાસની હપ્તાની રકમ તરીકે મહાનગરપાલિકામાં ૩.૩૦ લાખ જમા કરાવવામાં આવ્યા હતા.આ પછી તેમના પતિ વિજયભાઈ વિનોદભાઈ લોરીયાએ સુદામા ટાઉનશીપ માટે અલગથી અરજી કરી હતી. ઉપલબ્ધ વિગતો પ્રમાણે વર્ષ ૨૦૨૧માં તેમના નામે પણ આવાસ ફાળવવામાં આવ્યો અને તેના માટે ૫.૪૦ લાખ જમા કરવામાં આવ્યા. આ રીતે બંને આવાસ માટે દંપતી દ્વારા કુલ ૮.૭૦ લાખ જમા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ ૭ જૂન, ૨૦૨૧ના રોજ રજૂ કરાયેલા નોટરાઇઝ્ડ સોગંદનામાને લઈને છે. વિગતો મુજબ, વિજયભાઈ લોરીયાએ સોગંદનામામાં અગાઉથી ફ્લેટ ધરાવતા હોવાની માહિતી દર્શાવી હતી. જા આ દસ્તાવેજમાં અગાઉથી રહેણાંક મિલકત હોવાની માહિતી સ્પષ્ટ રીતે ઉપલબ્ધ હતી, તો અરજીની સ્ક્રુટિની દરમિયાન તેની ચકાસણી કેમ ન થઈ? અને અગાઉથી આવાસ ધરાવતા પરિવારના અન્ય સભ્યને ફરીથી આવાસ ફાળવવાની પ્રક્રિયા કેવી રીતે આગળ વધી? આ મુદ્દે હવે મનપાની તપાસ મહત્વની બની છે.
આ એકમાત્ર કિસ્સો નથી. સોફ્ટવેર આધારિત તપાસમાં અગાઉ રાજકોટમાં એક જ પરિવાર દ્વારા બે આવાસ મેળવવાના ૧૧ કિસ્સા સામે આવ્યા હતા. આ કિસ્સાઓમાં હાર્દિક જાશી, જયેશકુમાર નગવાડરિયા, કમલજીતસિંહ ઝાલા, મનીષાબેન જાટંગીયા, બીના જેઠવા, ગગજીભાઈ મીઠાપરા, પ્રવિણસિંહ ગોહિલ, અલકાબેન કોટક, ભાવનાબેન ઉપાધ્યાય, વાલીબેન મકવાણા અને રચના શેઠના નામ સામે આવ્યા હોવાનું જણાવાયું છે. આ લાભાર્થીઓને મવડી, લાઈટ હાઉસ પ્રોજેક્ટ, રાણી ટાવર, હેવલોક એપાર્ટમેન્ટ, વાવડી અને સ્માર્ટ ઘર પ્રોજેક્ટ સહિતના આવાસ પ્રોજેક્ટમાં મકાન મળ્યા હોવાનું સામે આવ્યું છે. આવાસ વિભાગના મેનેજર સુર્યપ્રતાપસિંહ દ્વારા આ તમામ લાભાર્થીઓને સાત દિવસમાં મકાન ખાલી કરવા અને ખુલાસો રજૂ કરવા અંતિમ નોટિસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. સમયમર્યાદામાં મકાન ખાલી ન કરવામાં આવે તો મિલકત સીલ કરીને ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
અગાઉ સામે આવેલા ૧૧ કિસ્સાઓમાં કેટલાક લાભાર્થીઓએ ફાળવાયેલા બંને આવાસનો ઉપયોગ ભાડાની આવક મેળવવા માટે કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જા સરકારી આવાસ ખરેખર આવા હેતુ માટે ઉપયોગમાં લેવાયા હોય તો તે અંગે પણ તંત્ર દ્વારા તપાસ જરૂરી બની છે.રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના સમિતિના ચેરમેન દિલીપ લુણાગરિયાના જણાવ્યા પ્રમાણે, સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓને બોલાવી તપાસ કરવામાં આવશે. પાંચેય પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજીને આગળની કાયદેસરની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે નિયમ મુજબ ગેરરીતે મેળવાયેલું બીજું આવાસ પરત લેવામાં આવશે તેમ જણાવ્યું છે. સાથે જ, અરજદાર સામાન્ય વર્ગનો હોવાથી જપ્ત કરાયેલા આવાસ માટે જમા કરાયેલી રકમ પરત આપવા અંગે માનવીય અભિગમ અપનાવવામાં આવે તેવી શક્્યતા દર્શાવવામાં આવી છે.
એક તરફ જરૂરિયાતમંદ લોકો માટે આવાસની અછતનો પ્રશ્ન રહે છે, ત્યારે બીજી તરફ એક જ પરિવારને બે આવાસ ફાળવવાના કિસ્સાઓ સામે આવવાથી મનપાની લાભાર્થી ચકાસણી પ્રક્રિયા ચર્ચામાં આવી છે. ખાસ કરીને સોગંદનામામાં મિલકત હોવાની માહિતી હોવા છતાં બીજી અરજી મંજૂર થઈ હોય તો દસ્તાવેજાની ચકાસણી કરનાર અધિકારીઓની જવાબદારી શું છે? અગાઉના ૧૧ અને હવે સામે આવેલા ૧૨મા કિસ્સામાં તંત્ર દ્વારા માત્ર લાભાર્થી સામે કાર્યવાહી થશે કે આવાસ મંજૂર કરનાર જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ તપાસાશે, તે જાવું મહત્વનું રહેશે.







































