અમરેલી શહેરમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાઠી-સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલી દુકાનનો વહીવટ સંભાળતા કર્મચારીએ વેપારીને વિશ્વાસમાં લઈ દુકાનનો લાખો રૂપિયાનો સ્ટોક બારોબાર ખાલી કરી નાખ્યો હતો. આ ઉપરાંત, હાથ ઉછીના તેમજ પોતાના સગાં-સંબંધીઓના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી કુલ રૂ. ૧૮,૦૯,૧૫૦ની ઠગાઈ આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ સંદર્ભે હાલ સુરત રહેતા અને મૂળ ધારીના ઇંગોરાળા (ડુંગળી) ગામના નાથુભાઈ બચુભાઈ વાળા (ઉં.વ. ૭૧)એ અમરેલીમાં રહેતા યોગીરાજ રતીલાલ પંડ્‌યા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ અમરેલીના લાઠી-સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલા સિલ્વર શાઈન કોમ્પ્લેક્ષમાં ‘ફૐફ એન્ટરપ્રાઈઝ’ નામે દુકાન ધરાવે છે. તેમણે પોતાની દુકાનમાં નોકરી કરતા કર્મચારીને રૂ. ૧૨,૦૦,૦૦૦ના માલસામાનના સ્ટોક સાથે ધંધાનું સંચાલન અને સમગ્ર વહીવટ સમજૂતી કરાર કરીને સોંપ્યો હતો.આરોપી કર્મચારીએ તેમની પાસેથી અંગત જરૂરિયાત પેટે રૂ. ૧,૭૫,૬૫૦ હાથ ઉછીના મેળવ્યા હતા. ત્યારબાદ આરોપીના જણાવ્યા મુજબ, ફરિયાદીએ આરોપીની માતા કોકીલાબેનના બેંક ખાતામાં અલગ-અલગ તારીખોએ કુલ રૂ. ૩,૯૭,૫૦૦ જમા કરાવ્યા હતા. એટલું જ નહીં, આરોપીના મિત્ર નનુભાઈ જે. માલવીના ખાતામાં પણ ૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ઓનલાઈન રૂ. ૩૬,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા.બાદમાં આરોપીએ દુકાનમાં રહેલો રૂ. ૧૨ લાખનો સ્ટોક બારોબાર સગેવગે કરી દુકાન ખાલી કરી નાખી હતી તેમજ સમજૂતી કરાર મુજબની કોઈ રકમ ફરિયાદીને ચૂકવી નહોતી. આમ, માલસામાન, ઉછીના લીધેલા તથા ટ્રાન્સફર કરાવેલા નાણાં મળી કુલ રૂ. ૧૮,૦૯,૧૫૦ની છેતરપિંડી આચરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.