લાઠી તાલુકાના ધામેલ ગામ નજીક એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભુરખિયા ગામે રહેતા વિશાલભાઈ જોરૂભાઈ ગોહિલે પોલીસમાં નોંધાવેલી માહિતી અનુસાર, તેમનો કાકાનો દીકરો ક્રિશ રણજીતભાઈ ગોહિલ પોતાના મિત્રો મોહસીન હુનાણી અને સુજલ હાંચડ સાથે બાઇક પર દામનગર થી ગારિયાધાર ખાતે ભરાયેલા મેળામાં ફરવા માટે ગયા હતા.મેળામાંથી મોડી સાંજે પરત આવતી વખતે ધામેલ ગામ પહેલા આવેલી એક ગોળાઈ પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા એક બુલેટ ચાલકે તેમના મોટરસાયકલને સખત ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઇકની પાછળ બેસેલા મોહસીન અને સુજલને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી.પરંતુ બાઇક ચલાવી રહેલા ક્રિશને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ થવાથી મગજમાં હેમરેજ થઈ ગયું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. આર. સાંખટ આ અકસ્માત અંગે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહ્યા છે.









































