સુરત શહેરમાં હાલ રોગચાળાએ અજગરભરડો લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા હવામાન વચ્ચે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસોમાં ચિંતાજનક રીતે ઉછાળો જાવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે આ જીવલેણ રોગચાળાએ હવે નિર્દોષ લોકોનો ભોગ લેવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં તાવના કારણે આઠ વર્ષીય માસૂમ બાળકી સહિત કુલ ત્રણ લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર શહેરમાં અરેરાટી સાથે ફફડાટ વ્યાપી ગયો છે.
સુરતમાં ઓગસ્ટ મહિના દરમિયાન રોગચાળાએ ભારે દહાડો લીધો છે, જેના કારણે માત્ર એક જ મહિનામાં ૨૧ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ગેસ્ટ્રો, તાવ અને ટાઈફોડ જેવા રોગોના ૨૩૦૦થી વધુ દર્દીઓ નોંધાયા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ભારે ધસારો જાવા મળી રહ્યો છે. લસકાણાની એક યુવતીનું ડેન્ગ્યુથી, ટાઈફોઈડના નિદાન બાદ એક યુવાનનું અને પાંડેસરાની ૮ વર્ષની બાળકી લક્ષ્મીનું તાવમાં કમનસીબ મોત નિપજ્યું છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં સુરત મનપાનું આરોગ્ય તંત્ર હજુ પણ આરામના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, જેથી સામાન્ય પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે.
આ વકરતા રોગચાળાનો ભોગ બની છે સુરતની આઠ વર્ષીય વિદ્યાર્થીની લક્ષ્મી… રમવાની અને ભણવાની ઉંમરે આ નાનકડી બાળકીએ કાળનો કોળિયો બનવું પડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મી છેલ્લા બે દિવસથી અચાનક જ સખત તાવમાં સપડાઈ હતી. શરૂઆતમાં પરિવારજનોને આ સામાન્ય વાયરલ તાવ લાગ્યો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં જ તેની તબિયત વધુ લથડવા માંડી હતી. બાળકીની ગંભીર સ્થિતિને જોતા પરિવારજનો તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં તબીબો દ્વારા લક્ષ્મીને બચાવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તાવની અસર એટલી હદે જીવલેણ સાબિત થઈ કે સારવાર દરમિયાન જ હોસ્પિટલના બિછાને લક્ષ્મીએ અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારની આંખનો તારો એવી વહાલસોયી દીકરીના આકસ્મિક નિધનથી માતા-પિતા અને સગા-સંબંધીઓ પર આભ તૂટી પડ્યું છે. બાળકી જે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યાં પણ શિક્ષકો અને સહાધ્યાયીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પરિસ્થિતિ માત્ર એક પરિવાર પૂરતી સીમિત રહી નથી. આ જ જીવલેણ તાવની ઝપેટમાં આવીને શહેરમાં અન્ય બે લોકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. આમ, **આઠ વર્ષીય વિદ્યાર્થીની લક્ષ્મી સહિત કુલ ત્રણ લોકોના રોગચાળાને કારણે મોત થતા આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ઉપદ્રવ જે રીતે સતત વધી રહ્યો છે, તે જાતા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેલન્સ, દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી સઘન બનાવવી અત્યંત આવશ્યક બની ગઈ છે. લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે જમીની સ્તરે નક્કર પગલાં લેવાય તે સમયની તાતી માંગ છે. આ સાથે જ, નાગરિકોએ પણ પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણીનો ભરાવો ન થવા દેવા અને તાવના સામાન્ય લક્ષણો દેખાય તો પણ સહેજ પણ વિલંબ કર્યા વિના તબીબી સલાહ લેવા માટે જાગૃત થવું પડશે, જેથી ભવિષ્યમાં આવા અન્ય કોઈ માસૂમ જીવ ન ગુમાવવા પડે.








































