અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા કાચ, નંબર પ્લેટ વગરની તેમજ બેફામ ગતિએ દોડતી ગાડીઓ અંગે લોકોની રજૂઆતો બાદ વડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ચાર્જ પીઆઈ પી.ડી. ગોહિલે બજારમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કડક પગલાં લઈ કેટલીક ગાડીઓ ડિટેઈન કરી દંડ ફટકાર્યો હતો. વાહનચાલકો પાસે નિયમ મુજબ નંબર પ્લેટ લગાવડાવી તેમજ કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ ઉતરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા કાયદાનું પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. આ કાર્યવાહીના પગલે નિયમોનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પીઆઈ ગોહિલે ચેતવણી આપી હતી કે કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.








































