વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ૮ સપ્ટેમ્બરની વડોદરા મુલાકાતને પગલે શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા અને શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે ‘સ્વચ્છતા સપ્તાહ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરના તળાવો, મંદિરો, જાહેર સ્થળો અને ઐતિહાસિક સ્થળોની સફાઈ કરવામાં આવશે.આ અભિયાનની શરૂઆત આજવારોડ સ્થિત કમલાનગર તળાવ ખાતેથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર ભાજપ પ્રમુખ ડા. જયપ્રકાશ સોની સહિત કાઉન્સિલરો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, એનજીઓ કાર્યકરો અને વિદ્યાર્થીઓ જાડાયા હતા. ઉપસ્થિત લોકોએ તળાવ તેમજ આસપાસના વિસ્તારમાંથી કચરો દૂર કરી સફાઈ કરી હતી.
‘સ્વચ્છતા સપ્તાહ’ દરમિયાન માત્ર તળાવ પૂરતું અભિયાન મર્યાદિત નહીં રહે. શહેરના જાહેર માર્ગો, શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો અને ઐતિહાસિક સ્થળોએ પણ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. વિવિધ સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નાગરિકોને પણ અભિયાનમાં જાડાવા માટે પ્રેરિત કરવામાં આવશે.
સ્વચ્છતા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે પ્લેકાર્ડ લઈને પદયાત્રા યોજી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત પહેલાં શહેરના વિવિધ વિસ્તારોને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ અભિયાનમાં મહાનગરપાલિકા, ભાજપ, સામાજિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની ભાગીદારી જાવા મળશે. શહેરને સ્વચ્છ રાખવા સાથે નાગરિકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.









































