અમરેલી જિલ્લામાં પંચાયત અને મહેસૂલ વિભાગના અધિકારીઓ વચ્ચેના સંઘર્ષને કારણે છેલ્લા પાંચ મહિનાથી પેઢીનામાની કામગીરી બંધ હોવાનું સામે આવ્યું છે. જમીનમાં વારસાઈ, હયાતીમાં હક તેમજ મકાનમાં નામ ચડાવવા માટે પેઢીનામું જરૂરી હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે તાજેતરમાં પરિપત્ર કરીને રેવન્યુ તલાટી-મંત્રીને પેઢીનામું બનાવવાની જવાબદારી સોંપી હોવા છતાં આજદિન સુધી તેનો યોગ્ય અમલ થયો નથી. સામાન્ય પેઢીનામું મેળવવા માટે પણ લોકોને પાંચ મહિનાથી ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. આથી સરકારી પરિપત્રની તાત્કાલિક અમલવારી કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈએ રજૂઆત કરી છે.







































