અમરેલી શહેરને બ્રોડગેજ ટ્રેન મળવાની આશા વચ્ચે ફરી એકવાર ખીજડીયા નજીક પાટા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હોવાની ચર્ચાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. અમરેલી શહેર અને જિલ્લામાં વર્ષોથી બ્રોડગેજ ટ્રેન શરૂ કરવાની લોકમાંગ કરવામાં આવી રહી હતી. આ માટે બ્રોડગેજના પાટા નાખવામાં આવ્યા હતા અને લાઈન પર સફળતાપૂર્વક ટ્રાયલ પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ સફળ થતાં અમરેલીવાસીઓમાં ટૂંક સમયમાં ટ્રેન સેવા શરૂ થવાની આશા જાગી હતી.
પરંતુ હવે ખીજડીયા નજીક બ્રોડગેજના પાટા ઉખેડવામાં આવી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. સાથે સાથે ખેડૂતોને ખેતરમાં જવા માટે જમીન સંપાદનની કામગીરી ફરી હાથ ધરવામાં આવી હોવાની પણ ચર્ચા છે. આ અંગે ભાવનગર રેલવે વિભાગના અધિકારીઓને પણ કોઈ સ્પષ્ટ જાણકારી ન હોવાનું સામે આવ્યું છે. ડીસીએમને પૂછપરછ કરતાં તેમણે પણ આ બાબતે જાણકારી ન હોવાનું જણાવ્યું હતુ.હાલ બ્રોડગેજ લાઈન પર ટ્રેન દોડવાની શરૂઆત થવાની આશા વચ્ચે પાટા શા માટે કાઢવામાં આવી રહ્યા છે તે બાબતે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. ફરી જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થતાં અમરેલીને બ્રોડગેજ ટ્રેન ક્યારે મળશે તે પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે અને રેલવે તંત્રની કામગીરી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.






































