રાજુલાના કડિયાળી ગામે સોશિયલ મીડિયામાં ફોટા મૂકવાના મનદુખમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.સોમાતભાઈ અરજણભાઈ વાઘેલા (ઉં.વ.૪૦)એ ભાવેશભાઈ ભોળાભાઈ મકવાણા, મુકેશભાઈ ભોળાભાઈ મકવાણા, હિરલબેન મુકેશભાઈ તથા રેખાબેન પ્રકાશભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આજથી આઠેક મહિના પહેલાં તેમનો દીકરો તથા પાયલબેન પ્રકાશભાઈ મકવાણા વાતો કરતા હતા, જેની જાણ પાયલબેનના પિતા તથા કાકાને થઈ ગઈ હતી. જેથી રેખાબેન પ્રકાશભાઈ તેમના ઘરે ઠપકો દેવા આવ્યા હતા, જેમાં ઘરમેળે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.આ બાબતનું મનદુખ રાખી ભાવેશભાઈએ તેમના દીકરાને એક ઝાપટ મારી દીધી હતી. જેથી તેઓ તથા તેમનાં પત્ની ભાવેશભાઈને ઠપકો દેવા જતાં હતાં, ત્યાં ઘરની શેરીમાં ભાવેશભાઈ, મુકેશભાઈ, હિરલબેન તથા રેખાબેન આવીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. ભાવેશભાઈએ પોતાની પાસે રહેલ લોખંડની પાઇપનો એક ઘા તેમના પગના પંજા પર તથા મુકેશભાઈએ લાકડાના બળદિયા વડે ડાબા હાથના કાંડા પર તથા બીજો ઘા વાંસાના ભાગે મારી તેમને પાડી દીધા હતા.આ સમયે તેમનાં પત્ની તથા દીકરો વચ્ચે પડતાં તેમનાં પત્ની મંજુબેનને ડાબા પગના સાથળ પર તથા ડાબા પગની ઘૂંટી પર ભાવેશભાઈએ પાઇપ માર્યો હતો. તેમના દીકરાને ભાવેશભાઈએ પાઇપ વડે બંને પગના સાથળના ભાગે તથા શરીર પર ઢીકાપાટુનો માર માર્યો હતો. બંને સ્ત્રીઓએ પણ તેમને ઢીકાપાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ભાવેશભાઈ તથા મુકેશભાઈએ “જ્યાં મળશો ત્યાં પતાવી દેશું” તેવી ધમકી આપી હતી.જે બાદ ભાવેશભાઈ ભોળાભાઈ મકવાણા (ઉં.વ.૩૦)એ તુષારભાઈ સોમાભાઈ વાઘેલા, સોમાતભાઈ અરજણભાઈ વાઘેલા તથા મંજુબેન સોમાતભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. તુષારભાઈ વાઘેલા તેમના મોટા ભાઈની દીકરી પાયલબેનના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકતો હતો, જેથી તેમણે ફોટા નહીં મૂકવાનું સમજાવ્યું હતું.જે વાતનું મનદુઃખ રાખી તુષારભાઈ તથા તેના પિતા સોમભાઈ અને માતા મંજુબેન તેમના ઘર પાસે આવી શેરીમાં જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા. તેવામાં તુષારભાઈએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકાનો એક ઘા માથાની ડાબી બાજુ મારી બે ટાંકા આવે તેવી ઈજા કરી હતી, તેમજ બીજો ઘા જમણા હાથના અંગૂઠા પર મારી સાત-આઠ ટાંકા આવે તેવી ઈજા પહોંચાડી હતી. તેમના ભાભી રેખાબેન વચ્ચે આવતાં તેમને પણ ડાબા હાથની કોણીના નીચેના ભાગે મૂંઢ ઈજા થઈ હતી. તેમજ સોમભાઈએ “જ્યાં મળશો ત્યાં જીવતા નહીં રહેવા દઉં” તેવી ધમકી આપી હતી.મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. બી. ઝીંજાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































