વડીયાના રાંદલના દડવા ગામે પુજારીને ગાળો બોલી ધમકી આપવામાં આવી હતી. આ અંગે હરેશ પર્વત બળવંત પર્વત ગોસાઇ (ઉં.વ.૪૫)એ પ્રતાપ પર્વત ગોસાઇ તથા નિખિલભાઈ પ્રતાપ ગોસાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ૨૪-૦૮-૨૦૨૬ના રોજ રાંદલના દડવા ગામ ખાતે રાંદલ માતાજીના મંદિરે તેમની સેવા-પૂજાનો વારો ચાલતો હતો. આ દરમિયાન મંદિરમાં નાસિકના ભક્તો દ્વારા ૧૦૦૮ લોટાનું આયોજન રાખવામાં આવ્યું હોવાથી મંદિરને શણગારીને સુશોભિત કરવામાં આવ્યું હતું. આ બાબત બંને આરોપીઓને સારી ન લાગતાં તેમણે જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બી.પી. ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.