સાવરકુંડલા સામાજિક વનીકરણ વિભાગ-અમરેલી (રેંજ-સાવરકુંડલા) દ્વારા પર્યાવરણના જતન અને સંવર્ધનના ઉદ્દેશ સાથે ૭૭મા વન મહોત્સવ-૨૦૨૬ની તાલુકા કક્ષાની ઉજવણી કાણકીયા કોલેજ ખાતે કરવામાં આવી હતી. આ વર્ષે ‘એક પેડ મા કે નામ ૩.૦’ના હરિત સંકલ્પ સાથે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે
વૃક્ષારોપણને માતૃવંદના સાથે જોડીને પર્યાવરણને હરિયાળું બનાવવા સૌને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં શહેર ભાજપ પરિવાર, વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક આગેવાનો, પર્યાવરણપ્રેમીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પર્યાવરણ રક્ષાનો સંકલ્પ લીધો હતો. સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ મનુભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો.








































