ફિઝિયોથેરાપિસ્ટનું કામઃ (૧) ફિઝિયોથેરાપિસ્ટ દર્દીની સમસ્યા મુજબ જુદી-જુદી કસરત કે ઇલેક્ટ્રિક સાધનથી સારવાર કરે છે. (૨) ફિઝિયોથેરાપિસ્ટ મૂળભૂત રીતે દર્દીને તેનું સામાન્ય દૈનિક જીવન પરત અપાવવામાં મદદ કરે છે. (૩) ફિઝિયોથેરાપિસ્ટ સ્વતંત્ર નિદાન અને સારવાર પણ કરી શકે છે. (૪) ફિઝિયોથેરાપિસ્ટ ન્યૂરોલોજિકલ, વિકલાંગ, હૃદય અને શ્વસન, દવા અને સર્જિકલ કેસ, સ્ત્રીરોગ વિજ્ઞાન, સ્થૂળતા અને વૃધ્ધોના કેસ સહિતની અનેક ફિઝિયોથેરાપી સારવાર કરી શકે છે. જો કોઇને પીઠનો દુખાવો, રમત-ગમતમાં ઈજા, પોસ્ટ સર્જિકલ સુધારણા, લકવો, પાર્કિન્સન રોગ, ગર્ભાવસ્થા પૂર્વ-દરમિયાન કે પછીની કસરતની જરૂર હોય તો તેની સારવાર કરી શકે છે. (૫) ફિઝિયોથેરાપિસ્ટ સર્જન, વિકલાંગ વિજ્ઞાનના દાક્તર જેવા બીજા ક્ષેત્રના ડોક્ટર સાથે વાતચીત કરી દર્દીની સમસ્યાની સારવાર કરે છે. જો બીજી કોઈ સારવારની જરૂર પડે તો તે દર્દીને અન્ય ડોકટર પાસે મોકલે છે.
નોંધ- કેટલાક લોકો પોતે ફિઝિયોથેરાપિસ્ટ કે યોગ્ય તબીબી સમજ ધરાવતા હોવાનો દાવો કરે છે, કે ફિઝિયોથેરાપીની ડિગ્રી મેળવી ના હોય તેવા નકલી હકીમો કે જે ફિઝિયોથેરાપીની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડે છે તેમનાથી ચેતવું જરૂરી છે.
– ફિઝિયોથેરાપીની સારવારઃ
ફિઝિયોથેરાપી સારવાર એ ઉપચારાત્મક પ્રક્રિયાનો સંદર્ભ છે, જે આઘાત પીડિત વ્યક્તિના પુનર્વસન સાથે સંબંધિત છે. સામાન્ય રીતે વ્યક્તિની કાર્યક્ષમતા અને શક્તિને પુનઃસ્થાપિત કરવા, જાળવવા અને મહત્તમ કરવા સાથે સંબંધિત છે. જો કે, ફિઝિયોથેરાપીની સારવારમાં કેટલીક શરતનો અમલ પણ કરવો પડે છે
(૧) હાડકાંમાં ફ્રેક્ચર, તિરાડ કે તિરાડો પડવી (૨) કરોડરજ્જુની ઇજા (૩) શસ્ત્રક્રિયા પછી પુનર્વસન (૪) રમત-ગમતથી થતી ઇજા કે ઈજાઓ (૫) સેરેબ્રલ પાલ્સી જેવી બાળરોગની સ્થિતિ (૬) ન્યૂરોલોજિકલ ડિસ્ઓર્ડર (૭) કાર્ડિયોથોરાસિક ડિસીઝમાં આ સારવાર કારગત નિવડે છે.
– ફિઝિયોથેરાપીની સારવારમાં ઘણી ઉપચાર પધ્ધતિ છે. ફિઝિયોથેરાપીમાં ઇલેક્ટ્રોથેરાપી તકનીક, મેન્યુઅલ થેરાપી પ્રક્રિયા કે અનેકવિધ પ્રકારની કસરતનો સમાવેશ થાય છે. ફિઝિયોથેરાપી સારવારમાં સ્નાયુ ખેંચવા, મસાજ, એક્યુપંક્ચર અને ટ્રિગર પોઈન્ટ થેરાપી જેવી સંયુક્ત ગતિશીલતા તકનીકનો પણ સમાવેશ થાય છે.
– હોમ ફિઝિયોથેરાપીઃ
આજકાલ ઘરે ફિઝિયોથેરાપીની સારવાર લેવી સામાન્ય બાબત બની ગઇ છે. ખાસ કરી દર્દીની સ્થિતિ અતિ ગંભીર હોય કે દર્દીને રોજેરોજ નિયમિત ફિઝિયોથેરાપી ક્લિનિકમાં જવું શક્ય ન હોય. તેવી પરિસ્થિતિમાં ફિઝિયોથેરાપિસ્ટ પોતે નિદાન અને સારવાર આપવા દર્દીના ઘેર જાય છે. દર્દીના સ્વાસ્થ્યને લગતા વિવિધ મુદ્દા અને સારવારના ઉદ્દેશથી માંડી વાસ્તવિક ફિઝિયોથેરાપી સારવાર સુધીની તમામ સારવાર દર્દીના ઘરે જ અપાય છે.
– ઘરે ફિઝિયોથેરાપીના ફાયદા ઃ
(૧) ખર્ચમાં બચતઃ જો કે કેટલાક ફિઝિયોથેરાપિસ્ટ તેમની સેવા ઘરે આપવા માટે વધુ ચાર્જ લે છે, કેટલાક વાજબી ચાર્જ લે છે છતાં સરવાળે ફિઝિયોથેરાપી સેન્ટર પર જવા કરતાં ઘેરબેઠા સારવાર લેવાનો ખર્ચ ઓછો આવે છે. કેમ કે, એમાં દર્દી અને સહાયકનો મુસાફરી ખર્ચ બચે છે. એમાંય ગંભીર સમસ્યામાં, વૃધ્ધજનોની સમસ્યામાં, ઘણું દૂર હોવાથી પ્રવાસ અને સમયની બચતમાં..વગેરે બાબતને કારણે જો તમે ઘરે ફિઝિયોથેરાપી સારવાર લેવાનું વિચારો તો આવા ખર્ચને ટાળી શકો.
(૨) સમયની બચતઃ ઘરે બેઠા ફિઝિયોથેરાપીની સારવાર કરાવવાથી દર્દીનો અને સહાયકનો ઘણો સમય બચી શકે છે. એમાં’ય તીવ્ર પીડા, તણાવ, એકલાં હોવ કે પતિ-પત્ની બંને વૃધ્ધ હોવ, સમયના અભાવ જેવી પરિસ્થિતિમાં જ્યાં-ત્યાં સમયસર પહોંચવામાં તકલીફ પડે છે. જ્યારે ફિઝિયોથેરાપીની સારવારમાં સમય મહ¥વની ભૂમિકા ભજવે છે. તેથી ઘરે સારવાર લેવામાં દર્દી અને ફિઝિયોથેરાપિસ્ટ એમ બંનેનો સમય બચે છે. વળી, સારવાર પૂરી થયા પછી ઘેર પહોંચવાની પળોજણમાંથી પણ મુક્તિ મળે છે.
(૩) દેખરેખઃ દર્દીએ ઘરે ફિઝિયોથેરાપીની સારવાર લેવાથી, દર્દીનો પરિવાર સારવાર પ્રક્રિયા પર નજર રાખી શકે છે. પરિવારને સ્વજનની સંભાળપૂર્વકની સારવારથી સંતોષ મળી રહે છે.
(૪) ઘરનું વાતાવરણઃ ક્લિનિકના વાતાવરણની તુલનામાં ઘરનું વાતાવરણ દર્દી માટે વધુ આરામદાયક મનાય છે. કેમ કે, સારવાર દરમિયાન ઘરની નાની-મોટી તમામ વ્યકિત દર્દીની નજરસમક્ષ રહેવાથી દર્દીના મનોબળને મજબૂતી મળે છે. પરિણામ સ્વરૂપે દર્દી જલ્દી સ્વસ્થ થાય છે.
(૫) વ્યક્તિગત સારવારઃ ઘરે ફિઝિયોથેરાપીની સારવાર લેવાથી દર્દી દરેકેદરેક અને ઝીણામાં ઝીણી સમસ્યાની ડાક્ટર સાથે ચર્ચા કરી શકે છે. દર્દીની વર્તમાન પરિસ્થિતિને આધારે ફિઝિયોથેરાપિસ્ટ સાથે સંકલન પણ કરી શકે છે. દર્દીની સારવારમાં કરાવાતી કસરતમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી-કરાવી શકે છે.
(૬) સારવારના અવકાશમાં વધારોઃ ઘરે ખાનગી ફિઝિયોથેરાપિસ્ટની પસંદગી પણ સારવાર પ્રક્રિયાના અવકાશમાં વધારો કરે છે. સામાન્ય રીતે, ક્લિનિકમાં, મોટી સંખ્યામાં દર્દીઓ હાજર હોઇ, ફિઝિયોથેરાપિસ્ટ દરેક દર્દી માટે પૂરતો સમય ફાળવી શકતા નથી. જ્યારે, ઘરે ફિઝિયોથેરાપીની સારવારથી ફિઝિયોથેરાપિસ્ટ દર્દી પર વ્યક્તિગત અને પૂરતું ધ્યાન આપી શકે છે. આમ, સ્પષ્ટ વાત છે કે ફિઝિયોથેરાપીના ફાયદા ઘણા છે, ખાસ કરીને જ્યારે આ સારવાર ઘરે કરવામાં આવે ત્યારે આ ફાયદા દૃઢ બનવા પામે છે.
sanjogpurti@gmail.com










































