ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસની શરૂઆત થતાં જ સોનલ દિનુષાએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. ત્રીજા દિવસે ૮૫ રન બનાવીને અણનમ રહેલી સોનલે ચોથા દિવસે ઝડપથી ૧૫ રન ઉમેરીને શાનદાર સદી પૂરી કરી. આમ, સોનલે ભારત સામેની પોતાની સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી. તેણે ૧૪૭ બોલનો સામનો કર્યા પછી પોતાની સદી પૂરી કરી. આ દરમિયાન, તેણીએ ૮ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા.ભારત સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં સોનલ અત્યાર સુધી પ્રભાવશાળી પ્રદર્શન કરી રહી છે. આ શ્રેણીમાં આ તેની સતત ત્રીજી ૫૦ થી વધુ રનની ઇનિંગ છે. અગાઉ, તેણીએ ગાલે ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી અને ત્યારબાદ બીજી ઇનિંગમાં ૮૪ રનની ઇનિંગ રમી હતી.સોનલ દિનુષા ભારત સામેની તેની સતત બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને એક ખાસ ક્લબમાં જાડાઈ ગઈ છે. હકીકતમાં, સોનલ ભારત સામે સતત બે ટેસ્ટ મેચમાં સદી ફટકારનારી ૭મી શ્રીલંકન બેટ્‌સમેન બની છે. અગાઉ, અરવિંદ ડી સિલ્વા, કુમાર સંગાકારા, સનથ જયસૂર્યા, મહેલા જયવર્ધને, થરંગા પરનવિતાના અને એન્જેલો મેથ્યુઝે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આમાંથી, અરવિંદ ડી સિલ્વા અને સંગાકારા ભારત સામે સતત ત્રણ ટેસ્ટ મેચમાં સદી ફટકારનારા શ્રીલંકન બેટ્‌સમેન છે. અરવિંદા ડી સિલ્વાએ ૧૯૯૭માં ભારત સામે ત્રણ ટેસ્ટ મેચમાં ચાર સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી.
ભારત સામે સતત ટેસ્ટ મેચમાં સદી ફટકારનારા શ્રીલંકાના બેટ્‌સમેન
૩ – અરવિંદા ડી સિલ્વા
૩ – કુમાર સંગાકારા
૨ – સનથ જયસૂર્યા
૨ – મહેલા જયવર્ધને
૨ – થરંગા પરનવિતાના
૨ – એન્જેલો મેથ્યુઝ
૨ – સોનલ દિનુષા
શ્રીલંકાના પ્રથમ દાવની વાત કરીએ તો, સોનલ દિનુષાની સદી છતાં, યજમાન ટીમ ફોલો-ઓન ટાળી શકી ન હતી અને ૨૯૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમ હજુ પણ ભારતીય ટીમના સ્કોરથી ૨૧૩ રન પાછળ છે. ફોલો-ઓન રમતી વખતે યજમાન ટીમ પોતાની બીજી ઇનિંગમાં કેટલો સ્કોર કરવામાં સફળ રહે છે તે જાવું રસપ્રદ રહેશે.