અમરેલીના લાઠી રોડ સર્કલ પાસે આઈટીઆઈ સામે આવેલી સંસ્કાર હોસ્ટેલના વિરોધમાં સોસાયટીના રહીશોએ આજે અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે હોસ્ટેલના કારણે સોસાયટી વિસ્તારમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે અને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હોસ્ટેલના કારણે સોસાયટીમાં રહેતા પરિવારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રહીશોએ તંત્ર સમક્ષ આ મામલે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ હોસ્ટેલના કારણે સર્જાતી સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવા અને રહીશોને રાહત મળે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપવા પણ માંગ કરવામાં આવી હતી.











































