ચલાલા-ધારી રોડ ઉપર મોરજર ગામથી આગળ દિલિપસિંહ સોલંકીની ડેરી સામે જાહેર રોડ ઉપર ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા હતા.બનાવ અંગે કિશોરભાઇ સવજીભાઇ રાફુસા (ઉ.વ. ૪૮)એ ડમ્પર (રજિ. નં. ય્ત્ન ૦૫ છફ ૯૨૯૦)ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમના દીકરા જયદીપભાઈ તેમજ ભત્રીજાઓ નટરાજભાઈ રતિભાઈ અને નિલેશભાઈ રતિભાઈ બાઈક લઈને ધારી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ડમ્પરચાલકે પૂર્ણ ઝડપે અને બેફિકરાઈથી માનવ જિંદગી જોખમાય તે રીતે ડમ્પર ચલાવી, સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી બાઈકને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં તેમના પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બંને ભત્રીજાઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એચ. રતન વધુ તપાસ ચલાવી રહ્યા છે.