ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા અરવલ્લી જિલ્લામાં પોલીસે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ પોલીસ તંત્ર ભારે એક્શન મોડમાં આવી ગયું છે. રતનપુરથી લઈને ઝાંઝરી ચેકપોસ્ટ સુધીના સમગ્ર બોર્ડર વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક સઘન તપાસ ગોઠવી દેવામાં આવી છે, જેના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે.
છેલ્લા આઠ મહિના દરમિયાન અરવલ્લી દારૂબંધી શાખા અને સ્થાનિક પોલીસે સપાટો બોલાવતા કુલ ૪,૨૭૮ પ્રોહિબિશન કેસ નોંધ્યા છે. જેમાં ૯૬ જેટલા મોટા દરોડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અલગ-અલગ જગ્યાએથી આશરે ૨૮ કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર દારૂ અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા અરવલ્લી જિલ્લામાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે વ્યાપક અને સક્રિય કાર્યવાહી હાથ ધરી છે. રતનપુરથી ઝાંઝરી ચેકપોસ્ટ સહિતના સરહદી વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક તપાસ તેજ કરીને પોલીસે છેલ્લા આઠ મહિનામાં ૯૬ મોટા કેસ સહિત કુલ ૪,૨૭૮ પ્રોહીબેશન કેસ નોંધ્યા છે, જેમાં ૨૮ કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરી ૪૪૫૭ આરોપીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે.
દારૂની હેરફેર અને વેચાણમાં સંકળાયેલા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ આઠ મહિનાના સમયગાળામાં કુલ ૪,૪૫૭ આરોપીઓ સામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે બોર્ડર પર કડક વોચ રાખવામાં આવી રહી છે.
પોલીસની આ સતત કાર્યવાહીના ભાગરૂપે માત્ર છેલ્લા ત્રણ દિવસમાં જ ૧૭૦ પ્રોહિબિશન કેસ કરવામાં આવ્યા છે. જેમાં ૨.૮૭ લાખ રૂપિયાના દારૂ સાથે ૩૮ જેટલા આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. સરહદી ચેકપોસ્ટો પર પોલીસની વધારેલી સક્રિયતાને કારણે ગેરકાયદે ઘૂસણખોરી અને દારૂની હેરફેર પર મોટો અંકુશ આવ્યો છે.