શહેરના ભેસ્તાન વિસ્તારમાં અંગત અદાવતને પગલે યુવક પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ગોલ્ડન આવાસ નજીક ભંગારના ગોડાઉન પાસે ૨૦ ઓગસ્ટની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે, જ્યારે મૃતકના ભાઈને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે પાંચ આરોપીઓની ઓળખ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી મહોમ્મદ રુસ્તમ જાન મહોમ્મદ સૈયદ ગોલ્ડન આવાસ વિસ્તારમાં રહે છે. ફરિયાદીના મોટા ભાઈના સાળા મહોમ્મદ ઝફીરના પુત્ર અરમાન સાથે આરોપીઓનો ચારથી પાંચ દિવસ અગાઉ બાળકોની બોલાચાલી બાબતે ઝઘડો થયો હતો. આ સામાન્ય લાગતી બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે અદાવત ઊભી થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ જ અદાવતના કારણે ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ની રાત્રે આશરે ૧૧ઃ૪૫ વાગ્યાના અરસામાં ગોલ્ડન આવાસ નજીક આવેલા ભંગારના ગોડાઉન પાસે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના પુત્રને નિશાન બનાવી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.
હુમલાની ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. હુમલા દરમિયાન ફરિયાદીના અન્ય એક પુત્રને પણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હુમલાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભેસ્તાન પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું.
ભેસ્તાન પોલીસે ફરિયાદના આધારે પાંચ શખ્સોની ઓળખ કરી શોભાન ઇસરાઇલ શાહ, સાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબીર મોઇન શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઇન શેખ અને સમીર ગફાર શેખની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાંથી આરોપી સાબીર મોઇન શેખ, શોભાન ઇસરાઇલ શાહ અને સમીર ગફાર શેખને પોલીસે ડિટેન કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે ઝઘડા દરમિયાન સામસામે થયેલી હાથાપાઈમાં શોભાન અને સાબીરને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હત્યા બાદ પોલીસે ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક છરી મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ છરી હુમલામાં વપરાઈ હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હુમલામાં અન્ય કયા હથિયારોનો ઉપયોગ થયો હતો અને તે ક્યાં છે તેની માહિતી મેળવવા માટે પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અન્ય હથિયારોની રિકવરી માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ શરૂ કરવામાં
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસની વિગતો પણ સામે આવી છે. આરોપી સાબીર મોઇન શેખ સામે ચેઇન સ્નેચિંગ તેમજ ઘરફોડ ચોરી જેવા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ, મોબીન ઉર્ફે ભૂરો મોઇન શેખ સામે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં હથિયારબંધીની કલમ ૧૩૫ હેઠળ અગાઉ બે કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આથી પોલીસ હવે આરોપીઓની અગાઉની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી એકત્ર કરી રહી છે.