અમરેલી શહેરમાં નાગરિકોને શુધ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તાજેતરમાં નગરપાલિકા વિસ્તારમાં લાઠી રોડ, નવા બસ સ્ટેન્ડ અને કેરિયા રોડ પર આવેલી ૨૩ ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન અસ્વચ્છ અને હલકી ગુણવત્તા ધરાવતો રૂ. ૨,૬૯૦ની કિંમતનો ૧૦.૫ કિલોગ્રામ ફરાસણ તેમજ બ્રેડ-પાઉંનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો. ઉપરાંત, વિક્રેતાઓને પરિસરમાં હાઇજીન જાળવવા અને ન્યૂઝપેપરમાં ખાદ્યપદાર્થો પેક ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.વિશેષમાં, ૬ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના ૪૮ એકમોમાં દરોડા પાડી ૫૧.૪ કિલોગ્રામ પ્રતિબંધિત એનાલોગ પનીર (રૂ. ૧૮,૬૮૫) જપ્ત કરી નાશ કરાયો હતો તથા ૨ પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.