ગીર પૂર્વ વન વિભાગે ગેરકાયદેસર સિંહ દર્શન પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને વન્યજીવોને પજવણી જેવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી તેજ કરી છે. જસાધાર રેન્જ વિસ્તારમાં વન વિભાગે કાર્યવાહી કરીને અમદાવાદના નિકોલ વિસ્તારના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, નાયબ વન સંરક્ષક વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ ગીરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન જસાધાર રેન્જમાં બહારથી આવેલા કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.
મળેલી બાતમીના આધારે જસાધાર રેન્જના વન વિભાગના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી સિંહ દર્શન કરવાની સાથે સિંહને પજવણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ સામે આવ્યો હતો. વન વિભાગની ટીમે સ્થળ પર કાર્યવાહી કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ લોકો અમદાવાદના નિકોલ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
વન વિભાગે ઝડપેલા શખ્સોની ઓળખ આશિષ મનસુખભાઈ વિરાણી (૪૦), અર્ચિત કિશોરભાઈ જિયાણી (૨૮) અને ધવલ કિશોરભાઈ વસોયા (૩૬) તરીકે થઈ છે. ત્રણેય સામે વન્યજીવો સાથે સંબંધિત નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વન વિભાગે ત્રણેય શખ્સો સામે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ સહિત લાગુ પડતી અન્ય કાયદાકીય જાગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગીર વિસ્તાર વન્યજીવો માટે અત્યંત સંવેદનશીલ હોવાથી અહીં પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ અને સિંહોને ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિઓને લઈને વન વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર કામગીરી જસાધાર રેન્જના વનપાલ એમ.એચ. સોંદરવા, આર.એન. મોરી તથા વનરક્ષક ડી.એન. વાઢેલ અને એન.એસ. ગમારા દ્વારા કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ગીરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહી છે, જેથી ગેરકાયદેસર સિંહ દર્શન તથા વન્યજીવોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓને અટકાવી શકાય.
વન વિભાગે ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને બહારગામથી આવતા લોકોને અપીલ કરી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન, સિંહ પજવણી અથવા વન્યજીવોને પરેશાન કરતી કોઈપણ પ્રવૃત્તિ ન કરે. આવી પ્રવૃત્તિ વન્યજીવો માટે જાખમી બનવાની સાથે માનવ સુરક્ષા માટે પણ ગંભીર ખતરો ઊભો કરી શકે છે અને કાયદાકીય કાર્યવાહીનું કારણ બની શકે છે.
સ્થાનિક લોકોને પણ ગેરકાયદેસર સિંહ દર્શન અથવા વન્યજીવોને લગતી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક નજીકના વન વિભાગના અધિકારી અથવા કર્મચારીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ગીરના સિંહો અને માનવ વચ્ચેનું સહઅસ્તિત્વ જળવાઈ રહે તે માટે પ્રવાસીઓ, સ્થાનિકો અને વન વિભાગ વચ્ચે સહયોગ જરૂરી હોવાનું વન વિભાગે જણાવ્યું છે.









































