અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે ૧૫ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પરિવાર પોતાની બીમાર દીકરીને સાજી કરાવવા માટે જે ભુવા પાસે ગયો હતો, તેના પર જ સગીરાનું શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપીએ સગીરા સાથેની અંગત તસવીરો વાયરલ કરતાં સમગ્ર મામલો પરિવારના ધ્યાને આવ્યો હતો. ફરિયાદ બાદ સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સગીરા અવારનવાર બીમાર રહેતી હોવાથી તેના પરિવારજનોએ આશરે એક વર્ષ પહેલાં પોતાના સમાજના ભુવા ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલનો સંપર્ક કર્યો હતો. પરિવારને એવી આશા હતી કે વિધિ કરવાથી તેમની દીકરીની બીમારી દૂર થઈ જશે. આ વિશ્વાસનો લાભ લઈ આરોપી ભુવા યુવતીના ઘરે જતો હતો અને વિધિના બહાને તેની સાથે એકાંતમાં રહેતો હોવાનો પોલીસનો આરોપ છે.
પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો મુજબ, આરોપી જ્યારે સગીરાના ઘરે વિધિ કરવા જતો ત્યારે પરિવારજનોને બહાર બેસાડી દેતો હતો. ત્યારબાદ સગીરાને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ છે. આરોપીએ બાદમાં વધુ એક વિધિના બહાને સગીરાને પોતાના ઘરે લઈ જઈ ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ સગીરા સાથેની અંગત તસવીરો પણ પાડી લીધી હતી. આ તસવીરોનો ઉપયોગ કરીને તેને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા છે. જાકે, આરોપીએ આ તસવીરો સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે વાયરલ કરી દેતાં સમગ્ર મામલો પરિવારના ધ્યાનમાં આવ્યો હતો. સમાજના કેટલાક લોકો મારફતે તસવીરોની જાણ પરિવારજનોને થઈ હતી. પરિવારે દીકરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળ્યા બાદ સોલા પોલીસે કાર્યવાહી હાથ ધરી ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ સહિતની લાગુ પડતી કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કે શોષણ કર્યું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન સોલા, ઘાટલોડિયા, રામોલ અને માંડલ પોલીસ સ્ટેશનમાં તેની સામે અલગ-અલગ ચાર ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.









































