અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાયબર ઠગાઈ સાથે જોડાયેલા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. પોલીસે પશ્ચિમ બંગાળમાંથી બે આરોપીઓ ઇમરાન અલી પ્રિયાદા અને ઇન્જામૂલ મૌલાની ધરપકડ કરી છે. તપાસમાં આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી સાયબર ઠગાઈ માટે ઓટીપી પૂરા પાડતા હોવાનો ખુલાસો થયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્કમાં આશરે ૪,૫૦૦ સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ૨૧,૯૦૦ ઓટીપી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બેઠેલા સાયબર ઠગોને મોકલવામાં આવ્યા હોવાનો દાવો છે. સમગ્ર તપાસ આશરે ૧.૫ કરોડની સાયબર છેતરપિંડીની ફરિયાદ બાદ આગળ વધી હતી.
અમદાવાદમાં નોંધાયેલી સાયબર ઠગાઈની ફરિયાદની તપાસ દરમિયાન પોલીસને નેટવર્કના તાર પશ્ચિમ બંગાળ સુધી પહોંચતા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવી અને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે, બંને આરોપીઓ લાંબા સમયથી સાયબર ઠગાઈ કરનારા લોકો માટે ઓટીપી ઉપલબ્ધ કરાવવાની કામગીરી કરતા હતા.
તપાસમાં સામે આવેલી માહિતી મુજબ આરોપીઓએ અલગ-અલગ લોકોના નામે સિમકાર્ડ મેળવવા માટે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરની એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ વિવિધ મોબાઇલ નંબર એક્ટિવ કરાવી ડમી સિમકાર્ડ તૈયાર કરવામાં આવતા હોવાનો પોલીસનો દાવો છે. અત્યાર સુધીમાં આશરે ૪,૫૦૦ સિમકાર્ડ ખરીદવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સિમકાર્ડનો ઉપયોગ ઓટીપી મેળવવા અને તેને સાયબર ઠગો સુધી પહોંચાડવા માટે કરવામાં આવતો હોવાની માહિતી પોલીસે મેળવી છે.
પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ ઓટીપી પહોંચાડવા માટે વોટ્‌સએપ પર ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપ મારફતે સાયબર ઠગોને જરૂરી ઓટીપી ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા. એક ઓટીપી માટે આશરે ૧૦૦થી ૨૫૦ સુધીની રકમ લેવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે ૨૧,૯૦૦ ઓટીપી ઇસ્લામાબાદમાં બેઠેલા ઠગોને પહોંચાડ્યા હતા. આ ઓટીપીનો ઉપયોગ વિવિધ પ્રકારની ઓનલાઇન છેતરપિંડી માટે કરવામાં આવ્યો હોવાની આશંકા છે.
તપાસમાં સાયબર ઠગાઈની એક અલગ પદ્ધતિનો પણ ખુલાસો થયો છે. જાણીતી કંપનીઓના સીઇઓ વરિષ્ઠ અધિકારીઓ અથવા બોસના નામે નકલી પ્રોફાઇલ તૈયાર કરીને લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા. આ પ્રકારની છેતરપિંડીને બોસ કૌભાંડ તરીકે ઓળખવામાં આવી રહી છે. નકલી પ્રોફાઇલ દ્વારા લોકોને મેસેજ કરીને પૈસા ટ્રાન્સફર કરાવવા અથવા સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની તપાસમાં માહિતી મળી છે.
આ સાયબર નેટવર્કની તપાસમાં વિદેશી કનેક્શન સામે આવ્યું હોવાનો પોલીસનો દાવો છે. પોલીસના જણાવ્યા મુજબ, ઇસ્લામાબાદમાં બેઠેલા ઠગોને ઓટીપી મોકલવામાં આવતા હતા. આ ઉપરાંત, ચીન સાથે જાડાયેલા માલવેરનો ઉપયોગ કરીને ડિવાઇસ હેક કરવાની પદ્ધતિ પણ આ નેટવર્કમાં વપરાતી હોવાની તપાસમાં માહિતી મળી છે. સમગ્ર કામગીરીનું મોનિટરિંગ પાકિસ્તાનથી થતું હતું કે કેમ તે અંગે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચે લોકોને શંકાસ્પદ ફાઇલો અંગે ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે. સાયબર ઠગો ઘણીવાર ઝીપ ડીઓસી અથવા એપીકે જેવી ફાઇલ મોકલીને લોકોને તે ડાઉનલોડ કરાવવાનો પ્રયાસ કરે છે. આવી ફાઇલમાં માલવેર છુપાયેલું હોઈ શકે છે. ફાઇલ ઇન્સ્ટોલ અથવા ઓપન કર્યા બાદ મોબાઇલમાં રહેલી સંવેદનશીલ માહિતી જાખમમાં મુકાઈ શકે છે. પોલીસે અજાણ્યા નંબર, વ્યક્તિ અથવા મેસેજમાંથી મળેલી શંકાસ્પદ ફાઇલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવાની સલાહ આપી છે. તપાસમાં આ નેટવર્કની લિંક આશરે ૧૦ હજાર જેટલા ડિવાઇસ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ ફોન સહિત અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. તપાસ દરમિયાન એક પ્રકારના ખાસ મોબાઇલ ડિવાઇસનો પણ ઉલ્લેખ થયો છે, જેમાં એકસાથે ચાર સિમકાર્ડનો ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસમાં આ નેટવર્ક સાથે સંકળાયેલી આશરે ચાર ફરિયાદો દ્ગઝ્રઈઇ્‌ પોર્ટલ પર નોંધાયેલી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ફરિયાદો અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે પોલીસ હવે સમગ્ર નેટવર્કની કડીઓ જાડવાનો પ્રયાસ કરી રહી છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.