લાઠીના મતિરાળા ગામે જમાઈએ સસરાને માથામાં છરીનો ઘા માર્યો હતો, તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે ભરતભાઇ જેસીંગભાઇ ચૌહાણે ગારીયાધારના પાંચટોબરા ગામે રહેતા તરૂણભાઇ લાધાભાઇ ગોહિલ, ભોલાભાઇ ગોરધનભાઇ ગોહિલ, ઘનશ્યામભાઇ દાનાભાઇ ગોહિલ તથા રાહુલભાઇ ગોરધનભાઇ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ તેમની દીકરીના લગ્ન તરૂણભાઈ ગોહિલ સાથે થયા હતા. તેમની દીકરી છેલ્લા એકાદ વર્ષથી તેમના ઘરે રિસામણે હતી. તેનું મનદુઃખ રાખી જમાઈ તરૂણભાઈ ગોહિલે માથાના ભાગે છરીનો એક ઘા મારતા બે ટાંકા આવ્યા હતા. ઉપરાંત ડાબા હાથના બાવડાના ભાગે છરીનો ઘા મારતા ચરકા જેવી ઇજા થઈ હતી. તેમજ સાક્ષી ભાવેશભાઇ કાળુભાઇ ચૌહાણને ભોલાભાઈ ગોહિલે છરીના ઘા મારતા છાતી, પેટ, જમણા ખભાના પાછળના ભાગે તથા જમણી આંખની નીચે ચરકાની ઇજાઓ પહોંચાડી હતી. તે બાદ તમામે જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































